સરકારી શિષ્યવૃત્તિ યોજનાઓમાં મોટા પાયે આચરવામાં આવેલા કૌભાંડનો પર્દાફાશ કરવામાં ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોટી સફળતા મળી છે. એસઓજીની ટીમે આ મસમોટા શિષ્યવૃત્તિ કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને માસ્ટરમાઇન્ડ વિજય પટેલની અમદાવાદના હાઈપ્રોફાઈલ શીલજ વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે. પકડાયેલો આરોપી વિજય પટેલ ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના અસલી દસ્તાવેજો મેળવીને તેનો પદ્ધતિસર દુરુપયોગ કરવાની ઘાતકી મોડસ ઓપરન્ડી ધરાવતો હતો.
નકલી બેંક એકાઉન્ટ ખોલાવી પડાવી સ્કોલરશિપ
આરોપી વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સના આધારે ગાંધીનગરના દહેગામ ખાતે આવેલી શૈક્ષણિક સંસ્થામાં ડિપ્લોમા કોર્સમાં ઓનલાઇન બોગસ એડમિશન મેળવી લેતો હતો. એડમિશન કન્ફર્મ થયા બાદ સરકાર તરફથી મળતી શિષ્યવૃત્તિની રકમ સીધી પોતાના ખિસ્સામાં સરી પડે તે માટે તે બેંકોમાં બોગસ એકાઉન્ટ્સ ખોલાવતો હતો. આ બેંક ખાતાઓમાં તે પોતાના અથવા પોતાના સાગરીતોના ખોટા મોબાઈલ નંબર લિંક કરી દેતો હતો, જેથી બેંકની તમામ લેવડ-દેવડની વિગતો અને ઓટીપી તેને જ મળે અને વિદ્યાર્થીઓ કે બેંક પ્રશાસનને આ વાતની ગંધ સુદ્ધાં ન આવે.













