આગામી સમયમાં માં અંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ શરૂ થશે. આ પહેલા જ ગરબાના ક્લાસિસ અને ગરબાની પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે. જેના માટે લોકો જાહેર પરિસરોનો ઉપયોગ કરતાં હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં શાળાઓમાં ચાલી રહેલી બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓને લઈને જિલ્લા શિક્ષણાધિકારીએ લાલ આંખ કરી છે. શહેરના મણીનગર વિસ્તારમાં સ્થિત જાણીતી જયાબેન દેવી અને શેઠ હીરાલાલ કન્યા વિદ્યાલય સામે ગંભીર આક્ષેપો સામે આવતાં શિક્ષણ તંત્ર હરકતમાં આવ્યું છે. આ બંને સ્કૂલોને શહેરના ડીઈઓ દ્વારા શો કોઝ નોટીસ ફટકારવામાં આવી છે.
રાત્રિના સમયે ગરબાની પ્રેક્ટિસનો આક્ષેપ
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના મણીનગર વિસ્તારની આ બંને શાળાના શૈક્ષણિક કેમ્પસમાં નિયમો વિરુદ્ધ વ્યાવસાયિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાના આક્ષેપો થયા છે.ખાસ કરીને,શાળાના પરિસરમાં રાત્રિના સમયે ગરબાની પ્રેક્ટિસ કરાવાતી હોવાની ફરિયાદો ઉઠી હતી.શૈક્ષણિક સંકુલમાં આ પ્રકારે ગરબાના આયોજન માટે મંજૂરી આપવામાં આવતી હોવાથી શાળાના મેદાન,વર્ગખંડો તેમજ અન્ય આંતરમાળખાકીય સુવિધાઓના દુરુપયોગ અંગે ભારે સવાલો ઉભા થયા છે.વિદ્યાર્થીઓના અભ્યાસ અને શિસ્તને અસર કરતી આ બાબતને તંત્રએ અત્યંત ગંભીરતાથી લીધી છે.
