અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલ ખાતે ફાયર સેફ્ટીના મામલે ગંભીર બેદરકારી સામે આવી છે. બસ ટર્મિનલના બ્લોક-Cની ફાયર NOCની મુદત 25 ઓગસ્ટે પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ત્રણ મહિના વીતી જવા છતાં તેનું રિન્યુઅલ કરવામાં આવ્યું નથી. નિયમિત અવરજવર રહેતા આ મહત્વપૂર્ણ બસ ટર્મિનલ પર ફાયર NOC એક્સપાયર થયા બાદ પણ સમયસર પ્રક્રિયા પૂર્ણ ન થતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
જૂની NOCના બોર્ડ યથાવત, AMCની કાર્યવાહીનો અભાવ
સ્થળ પર જૂની ફાયર NOC દર્શાવતા બોર્ડ હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે, જેના કારણે મુસાફરો અને મુલાકાતીઓમાં ભ્રમ અને ચિંતા ફેલાઈ શકે છે. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રિન્યુઅલ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાની વિગતો સામે આવી છે. ફાયર સુરક્ષાની વ્યવસ્થા અને પ્રમાણપત્રોની અપડેટ પ્રક્રિયામાં વિલંબ થતા તંત્રની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે.
