અમદાવાદ શહેરમાં ગુનેગારો અને નશાના વેપારીઓ સામે પોલીસ દ્વારા સતત સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ઘાટલોડિયા પોલીસ સ્ટેશનની ટીમને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે એક સફળ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી ડ્રગ્સનું સેવન અને વેપાર કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
47 ગ્રામ ચરસ અને 5 શખ્સોની ધરપકડ
પોલીસે બાતમીવાળા સ્થળ પર ઓચિંતો દરોડો પાડીને માદક પદાર્થ ચરસ જેવા કેફી દ્રવ્યના જથ્થા સાથે કુલ 5 શખ્સોને રંગે હાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં દિગ્વિજય દરબાર, રૂપેશ ગોસ્વામી, શિવમ ગોસ્વામી, બ્રિજેશ પટેલ અને કિશન પટેલનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં આ તમામ શખ્સો મિત્રો સાથે ભેગા થઈને ચરસનું સેવન કરવા માટે એકત્રિત થયા હોવાનું સામે આવ્યું છે.
કુણાલ નામનો શખ્સ વોન્ટેડ જાહેર, ડ્રગ્સ સપ્લાયરની શોધખોળ શરૂ
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, આ પકડાયેલા શખ્સોએ ચરસનો આ જથ્થો 'કુણાલ' નામના અન્ય એક શખ્સ પાસેથી ખરીદ્યો હતો. આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ઘાટલોડિયા પોલીસે કુણાલને મુખ્ય વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને ઝડપી પાડવા માટે વિશેષ ચક્રો ગતિમાન કર્યા છે.

રૂ.1.63 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, વાહનો, મોબાઈલ અને રોકડ કબજે
પોલીસે આ દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 47 ગ્રામ ચરસ, રોકડ રૂ. 2,510, પાંચ ટુ-વ્હીલર વાહનો (જેની કિંમત રૂ. 1.13 લાખ છે) અને છ મોબાઈલ ફોન (જેની કિંમત રૂ. 36,500 છે) મળીને કુલ રૂ. 1,63,760નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે તમામ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની ગુનો નોંધીને આગળની સઘન તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Ahmedabadમાં રિક્ષા-ટેક્સી ચાલકોનું 'રોજગાર બચાવો આંદોલન'! ઓનલાઈન કંપનીઓની મનમાની સામે RTO કચેરીએ ઉગ્ર વિરોધ