અમદાવાદના હાર્દસમા ગીતામંદિર વિસ્તારમાં મુસાફરોની સુવિધામાં અભૂતપૂર્વ વધારો કરતા 'બસ ટર્મિનલ-૨ નોર્થ બ્લોક આઈકોનિક બસપોર્ટ' નું આજે સત્તાવાર લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે આ આધુનિક બસ ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આધુનિક બસ ટર્મિનલનું ઉદ્ઘાટન
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને અમદાવાદ બસ ટર્મિનલ પ્રા.લિ. ના PPP (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) પ્રોજેક્ટ હેઠળ આ મોડેલ વિકસાવવામાં આવ્યું છે. કુલ રૂ. 186.67 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ નોર્થ બ્લોક ટર્મિનલમાં મુસાફરોને માત્ર બસ પરિવહન જ નહીં પરંતુ શોપિંગ, ફૂડ અને મનોરંજન સહિતની તમામ સુવિધાઓ એક જ છત નીચે મળશે.
ટર્મિનલમાં મુસાફરોના આરામ માટે ઉત્તમ વ્યવસ્થા
આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે અમદાવાદના બે ઐતિહાસિક હેરિટેજ દરવાજાને સહેજ પણ નુકસાન પહોંચાડ્યા વિના આ ટર્મિનલનું સ્થાપત્ય તૈયાર કરવામાં આવ્યું છે. કુલ 4,309 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ ટર્મિનલમાં મુસાફરોના આરામ માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં જનરલ વેઇટિંગ હોલમાં 100 બેઠક, મહિલાઓ માટેના સ્પેશિયલ લેડીઝ વેઇટિંગ હોલમાં 75 બેઠક અને ડીલક્સ વેઇટિંગ હોલમાં 25 બેઠકની ક્ષમતા ઉપલબ્ધ કરાવાઈ છે.
વેપાર અને પાર્કિંગનું નવું કેન્દ્ર
ટર્મિનલ સંકુલમાં મુસાફરો અને સ્થાનિકો માટે હાઇટેક ફૂડ કોર્ટ તેમજ એકસાથે 130 લોકો જમી શકે તેવી કેન્ટીન બનાવવામાં આવી છે. આ ઉપરાંત commercial દ્રષ્ટિએ 'A', 'B' અને 'C' એમ ત્રણ વિવિધ બ્લોકમાં કુલ 1,448 જેટલી આધુનિક દુકાનો તૈયાર કરાઈ છે. ટ્રાફિક સમસ્યા નિવારવા માટે પાર્કિંગમાં એકસાથે 5,650 ટુ-વ્હીલર અને 806 ફોર-વ્હીલર પાર્ક કરી શકાય તેવી વિશાળ ક્ષમતા પૂરી પાડવામાં આવી છે.
આ પણ વાંચો: Rajkot: ગિફ્ટ ફ્રોડ આચરનાર નાઇજીરિયન માસ્ટરમાઇન્ડ દિલ્હીથી ઝડપાયો,કિંમતી વસ્તુઓની લાલચ આપી આચરતા હતા કરોડોનું ફ્રોડ