પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (સંરક્ષણ પાંખ) દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, સૈન્ય ભરતી કચેરી, અમદાવાદ દ્વારા અગ્નિવીર (સામાન્ય ફરજો), અગ્નિવીર ટ્રેડ્સમેન (10મું પાસ), અગ્નિવીર ટ્રેડ્સમેન (8મું પાસ) અને અગ્નિવીર ટેકનિકલ હોદ્દાઓ માટે ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી રેલી આગામી 19 ફેબ્રુઆરી 2027 થી 02 માર્ચ 2027 દરમિયાન શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ, ગોધરા ખાતે યોજાશે.

21 જિલ્લાઓ અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો આવરી લેવાયા

આ ભરતી રેલીમાં ગુજરાતના 21 જિલ્લાઓ (અમદાવાદ, અરવલ્લી, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, નવસારી, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, ડાંગ, તાપી, વડોદરા, વલસાડ અને વાવ-થરાદ) તેમજ 2 કેન્દ્રશાસિત પ્રદેશો (દમણ, દાદરા અને નગરહવેલી) ના શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો ભાગ લઈ શકશે.

સત્તાવાર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવા સૂચના

ભરતી રેલી માટે શોર્ટલિસ્ટ થયેલા તમામ ઉમેદવારોને પ્રવેશપત્ર (Admit Card) 15 સપ્ટેમ્બર 2026 ના રોજ તેમના નોંધાયેલા ઈમેલ આઈડી પર મોકલી દેવામાં આવ્યા છે. ઉમેદવારોએ ભારતીય સૈન્યની સત્તાવાર વેબસાઇટ www.joinindianarmy.nic.in પર પોતાના યુઝરનેમ અને પાસવર્ડ વડે લોગઈન કરીને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે. કોઈપણ વિગત કે પૂછપરછ માટે ઉમેદવારો સૈન્ય ભરતી કચેરી, અમદાવાદના હેલ્પલાઈન નંબર 079-22861338 પર સંપર્ક કરી શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો