અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાનાઉભડા ગામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વિશેષ મુલાકાત લીધી હતી. નાનાઉભડા સીમ વિસ્તારમાં આવેલા વનકવચની અંદર 1 હેક્ટર જમીનમાં 10,000 જેટલાં વૃક્ષોનું વાવેતર રાજ્યપાલની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. રાજ્યપાલે જાતે વૃક્ષારોપણ કરીને માનવ જીવનમાં પર્યાવરણ અને પ્રકૃતિના મહત્વ વિશે ગહન સમજ આપી હતી. આ દરમિયાન તેમણે મહિલાઓ અને બાળકો સાથે સમય વિતાવી તેમની સાથે પરિચય કેળવી ફોટોગ્રાફી પણ કરાવી હતી.
સફાઈ અભિયાન અને દલિત પરિવારના ઘરે ભોજન
પોતાના પ્રવાસ દરમિયાન રાજ્યપાલ દેવવ્રત નાનાઉભડા ગામમાં યોજાયેલા સફાઈ અભિયાનમાં સક્રિયપણે જોડાયા હતા. તેમણે ગ્રામ પંચાયતના સફાઈ કર્મીઓની કામગીરીને બિરદાવીને તેઓને વિશેષ દરજ્જાનું સન્માન આપ્યું હતું. સાંજના સમયે ગ્રામજનો સાથે રાત્રી સભા યોજીને તેઓ દલિત પરિવારની શેરીમાં રહીશોને મળ્યા હતા. નગરમાં રહેતા સવિતાબેન સોમાભાઈ પરમારના પરિવારના ઘરે રાજ્યપાલે સાદગીપૂર્ણ રાત્રી ભોજન ગ્રહણ કરીને સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
