ગુજરાતમાં સરકારી અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળાઓનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણમંત્રીને એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ શાળાઓમાં ઓછી હાજરી અથવા વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાના કારણે વર્ગ ઘટાડા (Class Reduction) ની ચાલી રહેલી કાર્યવાહી સામે મહામંડળે સખત વાંધો ઉઠાવ્યો છે. ગ્રાન્ટેડ શાળાઓમાં આ નીતિના કારણે શિક્ષણનું માળખું ખોરવાઈ રહ્યું હોવાનો દાવો કરીને નિયમોમાં તાકીદે ફેરફાર કરવાની માંગણી કરવામાં આવી છે.
ગ્રાન્ટેડ શાળાઓ બચાવવા મેદાનમાં આવ્યું સંચાલક મહામંડળ
મહામંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે વર્ગ ચાલુ રાખવા માટે હાલમાં જે નિયત સરેરાશ હાજરી ૩૬ વિદ્યાર્થીઓની રાખવામાં આવી છે, તેને ઘટાડીને ૨૫ કરવામાં આવે. ઓછી હાજરીના બહાને વર્ગ બંધ કરી દેવામાં આવતાં ગરીબ અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે અને તેમને દૂર સુધી અભ્યાસ માટે જવું પડે છે. આથી, ગ્રાન્ટેડ શાળાઓનું અસ્તિત્વ જાળવી રાખવા માટે શાળાઓને વિદ્યાર્થીઓની સંખ્યા વધારવાની પૂરતી તક અને સમય આપવો અત્યંત જરૂરી છે.
