દિવાળીના પાવન અવસરે વતન જતા મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ગુજરાત એસટી (ST) વિભાગ દ્વારા આગોતરૂ અને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તહેવારોની મોસમમાં મુસાફરોને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે માટે આગામી 2થી 8 નવેમ્બર સુધી રાજ્યના વિવિધ રૂટ પર એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી તંત્ર દ્વારા આ સમયગાળા દરમિયાન કુલ 1,150 જેટલી વધારાની બસ ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે, જેનાથી મુસાફરોની અવરજવર અત્યંત સરળ બની રહેશે.

સૌરાષ્ટ્ર, દાહોદ અને પંચમહાલ તરફ વિશેષ 

મુસાફરોના ભારે ઘસારાને પહોંચી વળવા માટે મુખ્ય રૂટો પર વધારાની બસો ફાળવવામાં આવી છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર અને રાજકોટ જેવા સૌરાષ્ટ્રના મુખ્ય શહેરો તરફ જતી બસોની સંખ્યા વધારવામાં આવી છે. આ ઉપરાંત, દાહોદ તથા પંચમહાલ તરફ જવા માટે પણ વધારાની બસો મુકવામાં આવશે. મુસાફરોની સુવિધા માટે માત્ર મુખ્ય બસ સ્ટેશન જ નહીં, પરંતુ અમદાવાદના સીટીએમ (CTM) અને અડાલજ પાસેથી પણ આ વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે, જેથી ટ્રાફિકનું ભારણ ઘટી શકે.

સૌરાષ્ટ્ર રૂટ પર અત્યારથી જ 50 ટકા બુકિંગ પૂર્ણ

દિવાળીના તહેવારોને લઈને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એસટી વિભાગના ડેટા મુજબ, સૌરાષ્ટ્ર તરફના રૂટ પર અત્યારથી જ આશરે 50 ટકા જેટલું એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે, જે દર્શાવે છે કે આગામી દિવસોમાં મુસાફરોની સંખ્યામાં વધુ વધારો થશે. એસટી તંત્ર દ્વારા એડવાન્સ બુકિંગ કરનાર મુસાફરોની સુવિધા અને સલામત મુસાફરી માટે પૂરતી વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો