ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રાજ્યમાં વર્ગ-3ની મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા માટે રાજ્યભરમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પરીક્ષા કેન્દ્રો ફાળવાયા છે, જ્યાં કુલ 20 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. એક તરફ વહીવટી તંત્રની વ્યવસ્થાથી સામાન્ય ઉમેદવારોએ સંતોષ વ્યક્ત કર્યો છે, તો બીજી તરફ દિવ્યાંગ ઉમેદવારને બીજા માળે પરીક્ષા ખંડ ફાળવવામાં આવતા વાલીઓમાં નારાજગી જોવા મળી છે.
આજે ગુજરાતી-અંગ્રેજી અને આવતીકાલે જનરલ સ્ટડીઝનું પેપર
પ્રાપ્ત વિગતો અનુસાર, ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ-3ની મુખ્ય પરીક્ષાનું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે.રાજ્યભરમાંથી નોંધાયેલા 20 હજારથી વધુ ઉમેદવારો પૈકી એકલા અમદાવાદમાં 10,500 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે.આજે બે સેશનમાં કુલ 200 માર્કની પરીક્ષા લેવામાં આવી રહી છે, જેમાં સવારે ગુજરાતી અને બપોરે અંગ્રેજી વિષયનું પેપર લેવાશે.આવતીકાલે જનરલ સ્ટડીઝ વિષયની પરીક્ષા યોજાશે.પરીક્ષા માટે કેન્દ્રો પર વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેને લઈને મોટાભાગના ઉમેદવારોએ સંતોષ વ્યક્ત કર્યો છે.
