ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU) ફરી એકવાર વિવાદોના વંટોળમાં સપડાઈ છે. યુનિવર્સિટીના પ્રોફેસર ડો. મનીષ ઠક્કર સામે પીએચડી (PhD) રિસર્ચ સ્કોલર્સની થિસિસ મંજૂર કરવામાં નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડ્યા હોવાના ગંભીર આક્ષેપો સાથે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના વિજિલન્સ વિભાગમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે જે જર્નલ કાયદેસર રીતે બંધ થઈ ચૂકી હતી તેમાં રિસર્ચ પેપર પ્રકાશિત કરાવીને તેમજ પ્રકાશનની સાલ અને તારીખોમાં ગેરકાયદે છેડછાડ કરીને થિસિસને નિયમવિરુદ્ધ મંજૂરી અપાવવામાં આવી છે. આ મામલો સીધો દિલ્હી યુજીસી દરબારમાં પહોંચતાં જીટીયુના શૈક્ષણિક વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

બંધ જર્નલ અને તારીખોની છેડછાડ

 યુજીસીના કડક નિયમો અનુસાર પીએચડી સ્કોલરે પોતાની થિસિસ સબમિટ કરતાં પહેલાં માન્ય અને એક્ટિવ જર્નલમાં રિસર્ચ પેપર પ્રકાશિત કરવું અનિવાર્ય હોય છે. જોકે આ કિસ્સામાં પહેલેથી જ બંધ થઈ ગયેલી જર્નલમાં પેપર પ્રકાશિત કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.પેપરના મૂળ પ્રકાશન વર્ષ ૨૦૨૨ સામે વેબસાઇટ પર વર્ષ 2024 ની વિગતો દર્શાવવામાં આવી હોવાનો ચોંકાવનારો દાવો કરાયો છે.ગાઈડલાઈન્સની મર્યાદામાં ગોઠવવા માટે રિસર્ચ પેપરના પ્રકાશનની વાસ્તવિક તારીખોમાં જાણીજોઈને મોટો ફેરફાર અને છેડછાડ કરવામાં આવી હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

યુજીસી ગાઈડલાઈન્સનો સરેઆમ ઉલ્લંઘન

નિયમો મુજબ કોઈપણ રિસર્ચ સ્કોલર બોગસ કે ગેરમાન્ય જર્નલમાં પેપર છપાવીને પીએચડીની માન્યતા મેળવી શકે નહીં. સુપરવાઈઝર કે પ્રોફેસરની પ્રાથમિક જવાબદારી બને છે કે તેઓ તમામ દસ્તાવેજો અને જર્નલની પ્રમાણિકતાની ચકાસણી કરે. પ્રોફેસર ડો. મનીષ ઠક્કર દ્વારા આ સમગ્ર પ્રક્રિયામાં આંખ આડા કાન કરીને થિસિસને મંજૂરી આપવામાં ગેરરીતિ આચરાઈ હોવાના આરોપોથી યુનિવર્સિટીની ગરિમા સામે મોટા સવાલો ઊભા થયા છે.

વિજિલન્સ તપાસનો ગાળિયો કસાશે

યુજીસી વિજિલન્સ વિભાગે આ ફરિયાદને ગંભીરતાથી લઈને પ્રાથમિક તથ્યોની ચકાસણી શરૂ કરી દીધી છે. જો આરોપો સાચા સાબિત થશે તો સંબંધિત પ્રોફેસર સામે ખાતાકીય પગલાં ઉપરાંત સ્કોલરની પીએચડી માન્યતા રદ થવા સુધીની કડક કાર્યવાહી તોળાઈ રહી છે. આ અંગે જીટીયુ વહીવટી તંત્ર દ્વારા આંતરિક તપાસ સમિતિ નીમવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે.

આ પણ વાંચો: Surat: શહેરમાં સાયલન્ટ કિલરનો કહેર; કોઈ કામ કરતાં ઢળ્યું તો કોઈ ઊંઘમાંથી જ ન જાગ્યું, 24 કલાકમાં 3 લોકોના મોત