ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) માં નવા કુલપતિ (વાઇસ ચાન્સેલર) ની પસંદગી પ્રક્રિયાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાઇસ ચાન્સેલરની મુદત પૂર્ણ થયાના આશરે બે મહિનાના લાંબા સમયગાળા બાદ આખરે નવા કુલપતિની પસંદગી માટે સર્ચ કમિટીની રચના કરવામાં આવી છે. આ ચાર સભ્યોની સર્ચ કમિટીના અધ્યક્ષ તરીકે રાજ્યના નિવૃત્ત આઇએએસ (IAS) અધિકારી ભાગ્યેશ જહાની નિયુક્તિ કરવામાં આવી છે.
4 સભ્યોની કમિટી 3 નામોની કરશે ભલામણ
મળતી માહિતી મુજબ, નવા કુલપતિની શોધ માટે ગઠિત કરવામાં આવેલી આ સર્ચ કમિટીમાં કુલ ચાર સભ્યોનો સમાવેશ કરાયો છે. કમિટી દ્વારા રાજ્યભરમાંથી લાયક અને અનુભવી ઉમેદવારોની અરજીઓ તેમજ બાયોડેટાની ચકાસણી કરવામાં આવશે. તમામ પાસાંઓની સઘન સમીક્ષા કર્યા બાદ કમિટી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા શ્રેષ્ઠ 3 દાવેદારોના નામોની ભલામણ સરકાર અને કુલાધિપતિ (રાજ્યપાલ) ને કરવામાં આવશે, જેમાંથી આખરે GTU ના નવા કુલપતિનું નામ આખરી કરવામાં આવશે.
