ગુજરાત સહિત દેશભરમાં RE-NEET પરીક્ષાનું આયોજન અત્યંત સાવચેતી અને કડક સુરક્ષા વચ્ચે કરવામાં આવ્યું છે. અમદાવાદના ૨૩ પરીક્ષા કેન્દ્રોની બહાર વહેલી સવારથી જ ઉત્સાહ અને ચિંતાનો મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા આ વખતે એવા ડિજિટલ અને શારીરિક સુરક્ષાના માપદંડો તૈયાર કરાયા છે જે અત્યાર સુધીની કોઈ પણ રાષ્ટ્રીય પરીક્ષામાં જોવા મળ્યા નથી.


જીપીએસ ટ્રેકિંગ અને ડ્રોનથી વોચ

NTA ની નવીનતમ ગાઇડલાઇન અનુસાર, પ્રશ્નપત્રોની ગોપનીયતા જાળવવા માટે જે વાહનો દ્વારા પેપર સેન્ટર સુધી પહોંચાડવામાં આવ્યા છે, તે તમામ વાહનો હાઇટેક GPS ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ હતા. કંટ્રોલ રૂમમાંથી ગાડીની એક-એક ઇંચની મુવમેન્ટ પર નજર રાખવામાં આવી હતી. આ ઉપરાંત, અમદાવાદના સંવેદનશીલ અને મોટા પરીક્ષા કેન્દ્રોની બહાર કાયદો-વ્યવસ્થા જાળવવા અને કોઈ પણ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં મોકલતા પહેલાં તેમનું સખત ડિજિટલ બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવ્યું છે, જેથી ડમી ઉમેદવાર બેસવાની કોઈ શક્યતા ન રહે.

સમયના સચોટ પાલન માટે વિશેષ વ્યવસ્થા

સામાન્ય રીતે પરીક્ષા કેન્દ્રોમાં એનાલોગ કે ડિજિટલ ઘડિયાળો લઈ જવાની મનાઈ હોય છે, જેના કારણે વિદ્યાર્થીઓ સમયનું આકલન કરી શકતા નથી. આ સમસ્યાના ઉકેલ માટે અમદાવાદના તમામ કેન્દ્રોની બહાર અને અંદર ખાસ મોટી ઘડિયાળોની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે, વિદ્યાર્થીઓ પરથી પરીક્ષાનું દબાણ ઓછું કરવા માટે આ વર્ષે પ્રથમવાર 15 મિનિટનો વધારાનો સમય ફાળવાયો છે. હવે વિદ્યાર્થીઓને પેપર લખવા અને ઓએમઆર શીટના એનાલિસિસ માટે કુલ ૩ કલાક અને 15 મિનિટનો સમય મળશે. હાલ તમામ કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલ છે અને પોલીસ અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Sabarkantha: ઇડરની હોસ્પિટલમાંથી મૈત્રી કરાર કરનાર યુવકનું અપહરણ કરી તાલિબાની સજા અપાઈ, 11સામે FIR

  • Follow us on: