ચોમાસામાં અનિયમિત અને નહિવત્ વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં જળસંકટ અત્યારથી જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના તાજા આંકડા મુજબ, કચ્છ અને સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણીનો સંગ્રહ ચિંતાજનક સ્તરે ઘટી ગયો છે. કચ્છના 20 જળાશયોમાં માંડ 31.66% અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 47.70% જેટલો જ જીવંત જળજથ્થો બચ્યો છે. હજુ શિયાળાની ઋતુની માંડ શરૂઆત થઈ છે ત્યારે જ ગામડાંઓમાં પીવાના અને સિંચાઈના પાણી માટે હાલાકી શરૂ થઈ ગઈ છે, જેના કારણે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાંથી લોકો અત્યારથી જ હિજરત કરવા મજબૂર બન્યા છે.

સરદાર સરોવર ડેમ છલકાયો, પરંતુ અન્ય 206 જળાશયોમાં માત્ર 65.67% પાણી

સમગ્ર રાજ્યના ડેમોની સ્થિતિ પર નજર કરીએ તો રાજ્યની સરેરાશ ગુજરાતના તમામ 207 નાના-મોટા જળાશયોમાં સરેરાશ 78.36% પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે.  રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 99.56% જેટલો વિપુલ જળજથ્થો મોજૂદ છે, જે મોટા શહેરો માટે રાહતરૂપ છે. સરદાર સરોવર સિવાયના બાકીના 206 જળાશયોમાં સરેરાશ માત્ર 65.67% પાણી જ ઉપલબ્ધ છે, જે સ્થાનિક સિંચાઈ અને ગ્રામીણ જળવિતરણ માટે મોટો પડકાર છે.

ઝોનવાર જળાશયોની સ્થિતિ

રાજ્યના વિવિધ ઝોનમાં ડેમોની સત્તાવાર સ્થિતિ નીચે મુજબ છે

  • કચ્છ ઝોન (20 ડેમ): 31.66% (સૌથી ગંભીર સ્થિતિ)
  • ઉત્તર ગુજરાત (15 ડેમ): 43.69%
  • સૌરાષ્ટ્ર ઝોન (414 ડેમ): 47.70%
  • મધ્ય ગુજરાત (17 ડેમ): 65.26%
  • દક્ષિણ ગુજરાત (13 ડેમ): 70.40%

પશુપાલકો અને ખેડૂતો બેહાલ

કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જેવા ઓછા વરસાદવાળા જિલ્લાઓમાં ભૂગર્ભ જળસ્તર ઊંડા ઊતરી ગયા છે અને સ્થાનિક ડેમો તળિયાઝાટક થઈ ગયા છે.ખેડૂતો રવિ પાક લેવાની સ્થિતિમાં નથી, જ્યારે પશુપાલકો પોતાના માલઢોર માટે પીવાના પાણી અને ઘાસચારાની શોધમાં હિજરત કરવા લાગ્યા છે.સ્થાનિકોમાં એક જ ચિંતા સતાવી રહી છે કે જો ઑક્ટોબર મહિનામાં આ હાલત હોય, તો આગળ માર્ચથી જૂન સુધીનો આકરો ઉનાળો કેવી રીતે પસાર થશે? સરકારે નર્મદા કેનાલ નેટવર્ક દ્વારા સ્થાનિક જળાશયો ભરવા તાત્કાલિક આયોજન કરવું જરૂરી બન્યું છે.

આ પણ વાંચો:27 October Top News: સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી, ચક્રવાત અર્નબનું રેડ એલર્ટ, જાણો મહત્વના 19 સમાચાર