દિવાળી અને નૂતન વર્ષના પાવન પર્વ નિમિત્તે રાજ્યભરમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે નાગરિકોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે ગુજરાત ફાયર વિભાગ સંપૂર્ણપણે સજ્જ અને એલર્ટ મોડ પર આવી ગયું છે. તહેવારો દરમિયાન ફટાકડાના કારણે કે શોર્ટ સર્કિટથી આગ લાગવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગના જવાનો 24 કલાક રાઉન્ડ-ધ-ક્લોક તૈનાત રહેશે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક મદદ મળી રહે તે માટે ડાયલ 112 (Dial 112) સાથે પરંપરાગત હેલ્પલાઇન નંબર 1૦1 પણ સતત કાર્યરત રાખવામાં આવ્યા છે, જેથી નાગરિકો ત્વરિત સંપર્ક કરી શકે.

અમદાવાદના 18 ફાયર સ્ટેશન હાઈ એલર્ટ પર

દિવાળી ટાણે બજારોમાં ખરીદી માટે ભારે ભીડ જામતી હોય છે અને અસ્થાયી ફટાકડાની દુકાનો ધમધમતી હોય છે. આ જોખમને ધ્યાનમાં રાખીને રાજ્યના ગીચ વિસ્તારો અને મુખ્ય ફટાકડા બજારોમાં ખાસ હંગામી ફાયર સ્ટેશનો શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં ફાયર ફાઈટર વાહનો અને જવાનો ખડેપહેરે હાજર રહેશે. ખાસ કરીને અમદાવાદ શહેરના તમામ 18 ફાયર સ્ટેશનોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જેથી કોઈપણ વિસ્તારમાંથી કોલ મળતાની સાથે જ ફાયર ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી શકે.

નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ

ફાયર વિભાગ દ્વારા પ્રજા જોગ અપીલ કરવામાં આવી છે કે દિવાળીના આનંદમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે નાગરિકોએ સાવચેતી રાખવી અનિવાર્ય છે. બાળકો ખુલ્લા અને સુરક્ષિત સ્થળોએ જ ફટાકડા ફોડે તેમજ ઉડતી લેકર્ટ્સ કે જોખમી ફટાકડાઓથી દૂર રહે તે ખૂબ જરૂરી છે. જો દરેક નાગરિક જાગૃત બનીને નિયમોનું પાલન કરશે, તો કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાશે અને સૌ કોઈનો તહેવાર સુરક્ષિત તેમજ આનંદમય રીતે ઉજવાશે.

આ પણ વાંચો : Ahmedabad News : બાળકોની સલામતી સાથે ચેડાં નહીં ચાલે! ખાનગી શાળાઓમાં ધાબા પર રમતગમતની મંજૂરી સામે વાલીઓમાં ભારે રોષ