દહેજ મૃત્યુ અને પરિણીત મહિલાઓ પર ક્રૂરતાના કેસોમાં ચાર્જશીટ બાદ આરોપ નક્કી કરવાની પ્રક્રિયા,સાક્ષીઓની જુબાની અને ટ્રાયલની કામગીરીમાં વિલંબ ટાળવાના આશયથી સુપ્રીમ કોર્ટે જારી કરેલા આદેશના અનુસંધાનમાં હાઈકોર્ટે રાજ્યની તમામ જિલ્લા અદાલતોના ન્યાયિક અધિકારીઓને જરૂરી નિર્દેશો જારી કર્યા છે.જેમાં ત્રણ વર્ષથી વધુ સમયથી પડતર કેસોની ઓળખ કરી તેની સમયાંતરે સમીક્ષા કરવા તેમજ સાક્ષીઓની જુબાની માટે અગાઉથી સુનિશ્ચિત કાર્યક્રમ તૈયાર કરવા અને તેના ઝડપી નિકાલ માટે કડક તાકીદ કરવામાં આવી છે.

ન્યાયિક અધિકારીઓને આ નિર્દેશોનું પાલન કરવા જણાવાયું

ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિના નિર્દેશાનુસાર જારી આ પરિપત્રમાં રાજ્યની તમામ જિલ્લા અદાલતોના ન્યાયિક અધિકારીઓને આ નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે.જે ન્યાયાધીશોની કોર્ટોમાં ભારતીય દંડ સંહિતાની કલમ 304-બી અને 498-એ તથા ભારતીય ન્યાય સંહિતા,2023ની કલમ 80 અને 85 હેઠળના કેસોના ટ્રાયલ ચાલી રહ્યા છે તેવા કેસોને શક્ય હોય ત્યાં સુધી પ્રાથમિકતા આપીને તેનો ઝડપી નિકાલ કરવા પરિપત્રમાં સ્પષ્ટ તાકીદ કરાઈ છે.(કલમ 304-બી દહેજમૃત્યુ અને કલમ 498-એ પરિણીત મહિલા પર પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતા સાથે સંબંધિત છે,જ્યારે ભારતીય ન્યાય સંહિતામાં આ બાબતો માટે અનુક્રમે કલમ 80 અને 85 લાગુ પડે છે).

3 વર્ષ જૂના કેસોની સમીક્ષા થશે

જિલ્લા અદાલતોએ ત્રણ વર્ષથી વધુ સમયથી પડતર કેસોની માસિક અથવા ત્રિમાસિક સમીક્ષા વ્યવસ્થા દ્વારા દેખરેખ રાખવાની રહેશે.ચાર્જશીટ દાખલ થયા બાદ 60થી 90 દિવસમાં આરોપ ઘડવાની પ્રક્રિયા હાથ ધરી CRPC કલમ 309 કે BNSS કલમ 346મુજબ રોજેરોજ સાક્ષીઓની જુબાની નોંધવાની રહેશે.બિનજરૂરી મુદતો અટકાવવા અને મુદત પડે તો લેખિત કારણ દર્શાવવા નિર્દેશ અપાયા છે.આરોપી પક્ષના વકીલ પૂરતા કારણ વિના વારંવાર ગેરહાજર રહે તો એમિકસ ક્યુરી નિમવા અને બદલી કે નિવૃત્તિ વખતે વૈકલ્પિક તપાસ અધિકારી રાખવા જણાવાયું છે. આરોપ ઘડાયા બાદ તરત ટ્રાયલ કોર્ટે સમન્સ, તારીખો અને પુરાવાની રજૂઆતના ક્રમસાથે સાક્ષી સમયપત્રક તૈયાર કરવાનું રહેશે. તપાસ અધિકારીઓએ સમયસર સમન્સ પહોંચે અને સાક્ષીઓ કોર્ટમાં હાજર રહે તેની ખાતરી કરવાની રહેશે.

આ પણ વાંચોઃ Surat News: શાળાઓની આસપાસ 500 મીટર વિસ્તાર નશામુક્ત ઝોન જાહેર, સંચાલકોએ સાઇનબોર્ડ લગાવવા પડશે