દેવી-દેવતા કે પૂજનીય પ્રતીકોના કલાત્મક ચિત્રો ધરાવતી સાડી કે કાપડની સામગ્રીનું માત્ર છાપકામ કે વેચાણ કરવું,ભલે તે સાડીની નીચેની કિનારી કે પાલવ પર હોય, તેને આપમેળે જાણીબુઝીને બદઈરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય અથવા જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવા અને ધાર્મિક લાગણીઓ દુભાવવાના કરાયેલા ઈરાદાપૂર્વકના કૃત્ય તરીકે માની શકાય નહીં એમ ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદા મારફતે ઠરાવ્યું છે.
ફરિયાદ રદબાતલ ઠરાવતાં આ બાબત સ્પષ્ટ કરી
જસ્ટિસ પી.એમ.રાવલ સાડીના એક વેપારી વિરુદ્ધ કોઈ વર્ગના ધર્મો કે ધાર્મિક માન્યતાઓનું અપમાન કરીને તેમની ધાર્મિક લાગણીઓ દુભાવવાના ઈરાદાપૂર્વકના કૃત્ય તેમજ સાડી પર ભગવાન ગૌતમ બુદ્ધના ચિત્રો સાડીની નીચે કે પાલવ પર છાપીને વેચવા બદલ ધાર્મિક લાગણી દુભાવવા અંગે નોંધાયેલી ફરિયાદ રદબાતલ ઠરાવતાં આ બાબત સ્પષ્ટ કરી હતી. હાઈકોર્ટે જણાવ્યું કે, આઈપીસીની કલમ-295(A) હેઠળ માત્ર એવાં જ અપમાનજનક કૃત્યો અથવા અપમાન કરવાના એવા પ્રયાસોને સજાપાત્ર ગણવામાં આવ્યા છે, જે નાગરિકોના કોઈ વર્ગની ધાર્મિક લાગણીઓ દુભાવવાના જાણીજોઈને અને દૂષિત ઈરાદાથી કરવામાં આવ્યા હોય.
જે વસ્ત્રના નીચેના ભાગને આવરી લે છે
કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો ધર્મનું અપમાન અથવા જે તે વર્ગની ધાર્મિક લાગણીઓ દુભાવવાનું કૃત્ય જાણીબુઝીને કે બદઈરાદાપૂર્વક કરવામાં ન આવ્યું હોય,તો તે આ કલમની જોગવાઈ હેઠળ આવતું નથી.કેસના રેકોર્ડ પરથી જણાય છે કે,અરજદાર વેપારીએ કથિત રીતે સાડી અને અન્ય કાપડ પર ભગવાન ગૌતમ બુદ્ધના ચહેરાની છબીઓ છપાવી હતી,જે વસ્ત્રના નીચેના ભાગને આવરી લે છે અને આમ કથિત ગુનો આચર્યો છે અહીં એવું કંઈ જ જણાતું નથી જે કોઈ ચોક્કસ વર્ગના ધર્મ કે ધાર્મિક માન્યતાઓનું અપમાન અથવા અપમાનના પ્રયાસનો સંકેત આપે ખાસ કરીને એવું ઈરાદાપૂર્વકનું અને દૂષિત કૃત્ય કે જેનો ઉદ્દેશ્ય કોઈ વર્ગની ધાર્મિક લાગણીઓને ભડકાવવાનો હોય.
વેપારી વિરુદ્ધની ફરિયાદ રદબાતલ ઠરાવી
અરજદાર એક વેપારી છે જે પ્રવર્તમાન બજારના વલણો અને ડિઝાઈન મુજબ સાડી તેમજ ડ્રેસ મટિરિયલના સામાન્ય વ્યવસાયમાં રોકાયેલા છે.દેવી-દેવતા અથવા આદરણીય પ્રતીકોના કલાત્મક ચિત્રણવાળા કાપડની સામગ્રીનું માત્ર છાપકામ કે વેચાણ ભલે તે વસ્ત્રના નીચેના ભાગે બોર્ડર કે પલ્લુ પાસે હોય તેને આપમેળે ઈરાદાપૂર્વકની દૂષિત ભાવનાથી પ્રેરાયેલું અથવા જાહેર વ્યવસ્થાને ખોરવવાના ઈરાદાથી કરવામાં આવેલું કૃત્ય માની શકાય નહી.આમ અરજદાર વેપારી વિરુદ્ધ ધર્મના ગંભીર અપમાનનો અથવા ધાર્મિક લાગણી દુભાવવાનો અને જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાનો પ્રાથમિક કેસ બનતો નથી.આ અવલોકન સાથે હાઈકોર્ટે સુરતના વેપારી વિરુદ્ધની ફરિયાદ રદબાતલ ઠરાવી હતી.
આ પણ વાંચોઃ Gujarat Latest News Live: ગુજરાતમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફના પવન ફૂંકાશે, ગરમી અને ઉકળાટની અસર વધશે