ગુજરાત સરકારે પ્રસ્તાવિત કરેલા નવા ભાડા વિધેયક (ટેનન્સી એક્ટ) સામે રાજ્યભરના વકીલ મંડળોએ આરપારની લડાઈનું એલાન કરી દીધું છે. ભાડા કરાર તેમજ મકાનમાલિક-ભાડૂઆત વચ્ચેના વિવાદોના નિકાલની અદાલતી સત્તા મ્યુનિસિપલ કમિશનર સ્તરે સોંપવાની જોગવાઈ સામે ગુજરાત બાર કાઉન્સિલના નેતૃત્વ હેઠળ આજથી રાજ્યભરની અદાલતોમાં વકીલોએ અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી દીધી છે. અગાઉ પ્રતીકાત્મક હડતાળ અને સરકાર સમક્ષ આવેદનપત્રો આપવા છતાં કોઈ સુખદ ઉકેલ ન આવતાં હવે વકીલોએ કોર્ટ કામગીરીથી અલિપ્ત રહી આંદોલન વધુ તેજ બનાવ્યું છે.

કલેક્ટર-કમિશનરને જ્યુડિશિયલ પાવર સામે વાંધો

વકીલ મંડળોનો મુખ્ય આક્ષેપ છે કે ભાડા કરાર અને ભાડૂઆત સંબંધી તકરારોના નિરાકરણ માટે સિવિલ કોર્ટની ન્યાયિક સત્તા છીનવીને મ્યુનિસિપલ કમિશનર કે સનદી અધિકારીઓ હસ્તક મૂકવી એ ન્યાયતંત્રની સ્વાયત્તતા પર પ્રહાર સમાન છે. અધિકારીઓ પાસે અદાલતી કેસ ચલાવવાનો ન્યાયિક અનુભવ ન હોવાથી સામાન્ય નાગરિકોને યોગ્ય ન્યાય મળવો મુશ્કેલ બનશે. આ કાયદાકીય ફેરફારને પાછો ખેંચવાની માંગ સાથે વકીલો મેદાને પડ્યા છે.

અમદાવાદમાં બાઈક રેલી, વડોદરા બાર એસોસિએશનનું સમર્થન

આંદોલનને ઉગ્ર બનાવવા માટે રાજ્યભરમાં વકીલો દ્વારા વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે.અમદાવાદના ઐતિહાસિક ભદ્ર સિવિલ કોર્ટ પરિસરથી વકીલો દ્વારા વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે ઇન્કમટેક્સ ચાર રસ્તા સુધી પહોંચશે. આ રેલી બાદ વકીલ મંડળનું એક પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી અને કાયદામંત્રી સમક્ષ રૂબરૂ પહોંચી આવેદનપત્ર પાઠવશે. વડોદરા વકીલ મંડળ (બાર એસોસિએશન) પણ પૂર્ણ સમર્થન સાથે હડતાળમાં જોડાઈ ગયું છે. વડોદરા કોર્ટ પરિસરમાં વકીલોએ કામકાજનો બહિષ્કાર કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.

કોર્ટ બહાર પક્ષકારો-અસીલો અટવાયા

વકીલોની અચોક્કસ મુદતની હડતાળને પગલે સૌથી વધુ કફોડી સ્થિતિ નિર્દોષ અસીલો અને પક્ષકારોની થઈ છે. રાજ્યની હાઈકોર્ટથી લઈને જિલ્લા અને તાલુકા અદાલતોમાં કેસોની સુનાવણી ખોરવાઈ ગઈ છે.દૂર-દૂરના ગામડાઓ અને અન્ય જિલ્લાઓમાંથી પોતાનો કેસ ચલાવવા કે મુદત (તારીખ) ભરવા આવેલા પક્ષકારો કોર્ટ સંકુલ બહાર લાચાર બનીને બેસી રહેવા મજબૂર બન્યા છે.અસીલોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, "જો કોર્ટમાં મુદત પર હાજર ન રહીએ તો કોર્ટમાંથી વોરન્ટ કે સમન્સ નીકળવાનો ડર રહે છે, અને બીજી તરફ વકીલોની હડતાળ હોવાથી કોર્ટ રૂમમાં પ્રવેશ કરી શકાતો નથી."આ ગંભીર પરિસ્થિતિને કારણે સમગ્ર રાજ્યમાં ન્યાયિક કામગીરી થંભી ગઈ છે. બાર કાઉન્સિલે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સરકાર ભાડા વિધેયકમાં યોગ્ય સુધારા કરવાની ખાતરી નહીં આપે ત્યાં સુધી લડત યથાવત રહેશે.

આ પણ વાંચો: Ahmedabad: અનાજ-ખાંડ હોવા છતાં સર્વર 4 દિવસથી ડાઉન, ગુજરાતના 72 લાખ ગરીબો ખાલી હાથે પાછા ફર્યા!