વડાપ્રધાન મોદીએ આજે બહુચરાજીના હાંસલપુર ખાતે મારૂતિ સુઝુકી કંપનીની ઈ-કાર લોન્ચ કરી હતી. તેમણે સુઝુકી કંપનીના બેટરીના પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારત અને જાપાન વચ્ચેના સંબંધો અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હું જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારે મારુ પોતાનું વિઝિટિંગ કાર્ડ પણ જાપાની ભાષામાં બનાવતો હતો. તેમણે દેશના રાજ્યોને અપીલ કરી હતી કે, આ આખુ આકાશ તમારુ છે તેનો તમે ફાયદો ઉઠાવો. તેમણે હાંસલપુરથી ભારત અને જાપાનના સંબંધોનો સંદર્ભ આપીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ કટાક્ષ કર્યો હતો.


વાઈબ્રન્ટ સમિટમાં જાપાન મુખ્ય સહયોગી દેશ હતો

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આગામી સપ્તાહે હું જાપાનના પ્રવાસે જઈ રહ્યો છું. ભારત અને જાપાનનો સંબંધ ડિપ્લોમેટિક રિલેશનથી વધુ સાંસ્કૃતિક અને વિશ્વાસપાત્ર સંબંધ છે. આપણે એક બીજાની પ્રગતિમાં જ પોતાની પ્રગતિ જોઈએ છીએ. તેમણે કહ્યું હતું કે, મારુતિ સુઝુકી સાથે જે યાત્રા શરૂ થઈ હતી તે હવે બુલેટ ટ્રેનની સ્પીડ સુધી પહોંચી ગઈ છે. ગુજરાતમાંથી જ ભારત અને જાપાનની ઔદ્યોગિક સંભાવનાઓ સાકાર કરવાની પહેલ શરૂ થઈ હતી. આજથી 20 વર્ષ પહેલા મેં ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટ શરૂ કરાવી હતી. જેમાં જાપાન મુખ્ય સહયોગી દેશ હતો. એક વિકાસશીલ દેશનું નાનુ રાજ્ય અને એક વિકસિત દેશ તેનો પાર્ટનર હોય તો સ્પષ્ટ છે કે ભારત અને જાપાનનો પાયો કેટલો મજબૂત છે.

ગુજરાતના લોકોએ જાપાનના લોકોનો ખૂબજ આત્મીયતાથી ખ્યાલ રાખ્યો

વડાપ્રધાને કહ્યું હતું કે, ગુજરાતના લોકોએ જાપાનના લોકોનો ખૂબજ આત્મીયતાથી ખ્યાલ રાખ્યો છે. અમે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા નીતિ નિયમો પણ જાપાની ભાષામાં પ્રિન્ટ કરાવ્યા હતાં. જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે દરેક નાની વસ્તુનું ધ્યાન રાખતો હતો. ત્યાં સુધી કે હું મારુ વિઝિટિંગ કાર્ડ પણ જાપાની ભાષામાં બનાવતો હતો. ગુજરાત માટે જે પ્રમોશ્નલ વીડિયો બનતા હતાં તેનું જાપાની ભાષામાં ડબિંગ કરાવતો હતો. મને ખબર હતી કે આ રસ્તા પર મજબૂતી સાથે આગળ વધવાનું છે. તેમણે કહ્યું હતું કે, ભારતની સફળતાના બીજ 13 વર્ષ પહેલા જ વવાયા હતાં. 2012માં હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે મે મારુતિ સુઝુકીને હાંસલપુરમાં જમીન ફાળવી હતી. વિઝન તે સમયે પણ આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયાનું હતું. આજે જાપાનની સુઝુકી ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરે છે અને અહીં બનતી કાર ફરી જાપાનમાં એક્સપોર્ટ થઈ રહી છે. જે બંને દેશોના સંબંધો કેટલા મજબૂત છે તેનું પ્રતિક છે.


  • Follow us on: