વિક્રમ સંવતના નૂતન વર્ષ (બેસતા વર્ષ) ના મંગલમય પ્રારંભ સાથે સમગ્ર ગુજરાત આસ્થા, ભક્તિ અને પાવન સંકલ્પોના ત્રિવેણી સંગમમાં તરબતર થઈ ગયું છે. નવા વર્ષના પ્રથમ દિવસે પોતાના જીવનની શુભ શરૂઆત ઇષ્ટદેવના ચરણોમાં શીશ ઝુકાવીને કરવા માટે રાજ્યના ખૂણે-ખૂણેથી લાખો શ્રદ્ધાળુઓ સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં ઉમટી પડ્યા હતા. ઉત્તર ગુજરાતના શક્તિપીઠ અંબાજીથી લઈને સૌરાષ્ટ્રના સાગરકાંઠે બિરાજતા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ, અરવલ્લીના શામળાજી અને ખેડાના યાત્રાધામ ડાકોર સુધી સર્વત્ર માનવ મહેરામણ છલકાઈ ઊઠ્યો હતો. જયઘોષના ગગનભેદી નારાઓ વચ્ચે તમામ મોટા મંદિરોમાં ભાવિકો માટે સુરક્ષા અને સુચારુ દર્શન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
અંબાજીમાં ભક્તિ સાથે જીવન ઘડતરના અનોખા સંકલ્પ
શક્તિપીઠ અંબાજી ખાતે વહેલી સવારની મંગળા આરતીથી જ 'બોલ માડી અંબે, જય જય અંબે'ના નારા ગૂંજી ઊઠ્યા હતા. અહીં દર્શનાર્થે આવેલા ભક્તોએ લીધેલા સંકલ્પો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ખાસ કરીને ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓએ મા અંબા સમક્ષ શીશ ઝુકાવી ઉત્તમ પરિણામ લાવી કારકિર્દી ઘડવા અને માતા-પિતાનું નામ રોશન કરવાના શપથ લીધા હતા.મહિલાઓએ સ્ત્રી સન્માન, સશક્તિકરણ અને પારિવારિક સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. એક ભાવિક પરિવારે શરીરમાં જ્યાં સુધી શ્વાસ રહેશે ત્યાં સુધી પ્રત્યેક દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી મા અંબાના સાનિધ્યમાં જ કરવાનો અડગ પ્રણ લીધો હતો.
