રાજ્યમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોને લઈને એક અત્યંત ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. કેન્દ્ર સરકારના તાજેતરના રિપોર્ટમાં દેશભરના શહેરોમાં થતા જીવલેણ અકસ્માતોની ગંભીર સ્થિતિનો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતનું ડાયમંડ સિટી સુરત સમગ્ર દેશમાં 18મા ક્રમે અને મેગાસિટી અમદાવાદ 61મા ક્રમે હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર આંકડાઓ સામે આવ્યા બાદ રાજ્યમાં અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે.
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની મહત્વપૂર્ણ બેઠક
માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુદરને ઘટાડવા અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સુરક્ષિત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ રોડ સેફ્ટી બેઠકમાં અકસ્માતો પાછળના મુખ્ય કારણોની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં પૂરઝડપે વાહન ચલાવતા એટલે કે ઓવર સ્પીડ વાહનચાલકો સામે અત્યંત કડક કાયદેસરની કાર્યવાહી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
