ગુજરાત સરકાર દ્વારા શાળાઓની મંજૂરી પ્રક્રિયામાં લેવાયેલા વિવાદાસ્પદ નિર્ણયોમાં હવે વિદ્યાર્થીઓની સલામતી સાથે સીધા ચેડાં કરવામાં આવ્યા છે.નવા સુધારાના ભાગરૂપે સરકારે સૌથી મહત્ત્વનો નિયમ જ રદ કરી નાખ્યો છે.જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે મેદાન સાથેની શાળાઓમાં બનતી દુર્ઘટનાના પ્રસંગે બાળકોની સલામતી માટે ઝડપથી બચાવના પગલાં લઈ શકાય છે.જેથી મેદાન ન હોય તેવી કોઈ પણ સ્કૂલ ચલાવી શકાશે નહીં.
સરકારે એક આશ્ચર્યજનક અને હાસ્યાસ્પદ ફેરફાર કર્યો
અગાઉના નિયમ મુજબ મેદાન વગર શાળા ચલાવવા પર સખત પ્રતિબંધ હતો અને દુર્ઘટના સમયે ઝડપી બચાવની જવાબદારી નિશ્ચિત હતી પરંતુ હવે સરકારે આ સુરક્ષા કવચ સમાન જોગવાઈને જ રદ કરી દીધી છે.આનાથી સ્પષ્ટ થાય છે કે સરકાર હવે બાળકોના જીવ અને તેમની સલામતીને ગંભીરતાથી લેવાને બદલે માત્ર નિયમો હળવા કરીને મેદાન વગરની શાળાઓને છાવરવામાં લાગી ગઈ છે.જે ભવિષ્યમાં કોઈ મોટી હોનારતને આમંત્રણ આપી શકે છે.ગુજરાતમાં નવી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની મંજૂરી માટેના નિયમોમાં સરકારે એક આશ્ચર્યજનક અને હાસ્યાસ્પદ ફેરફાર કર્યો છે.જેમાં હવે મેદાન ન ધરાવતી શાળાઓ પણ પોતાના ધાબાને વર્ટિકલ પ્લેગ્રાઉન્ડ તરીકે વાપરી શકશે.
ઓલિમ્પિક ખેલાડીઓ બનવાની તાલીમ મેળવશે?
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લાવવામાં આવેલા આ નવા સુધારા મુજબ શાળાઓને વિદ્યાર્થીઓ માટે બિલ્ડિંગના ટેરેસનો રમતગમતના મેદાન તરીકે ઉપયોગ માટે છૂટ આપવામાં આવી છે.જે શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.શું હવે આપણાં બાળકો જમીન પર દોડવાને બદલે માત્ર ધાબાની ચાર દીવાલો વચ્ચે જ ઓલિમ્પિક ખેલાડીઓ બનવાની તાલીમ મેળવશે?એવા સવાલો ઊઠ્યા છે.નિષ્ણાતોના મતે શિક્ષણ વિભાગનો આ નિર્ણય સ્પોર્ટ્સનું ગળું ઘોંટતો અને ખાનગી સ્કૂલોના હિત માટેનો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓની મંજૂરી પ્રક્રિયામાં કરવામાં આવેલા ધરમૂળ ફેરફારોએ હવે વિવાદનો વંટોળ ઊભો કરી દીધો છે.એક તરફ સરકાર કોમનવેલ્થ અને ઓલિમ્પિકની પૂરજોશથી તૈયારીઓ કરી રહી છે ત્યારે બીજી તરફ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને રમતગમતના ભોગે શિક્ષણ વિભાગ દ્વારા અત્યંત મૂર્ખામીભર્યો નિર્ણય લેવાઈ રહ્યો છે.
ખરેખર અત્યંત ચિંતાજનક બાબત
નવા નિયમ અનુસાર જો શાળા પાસે પોતાનું રમતનું મેદાન ન હોય તો તે પ્રવર્તમાન એફ.એસ.આઈ.ના ધોરણોને આધીન રહીને પોતાના મકાનના ધાબાને જ ઊભા રમતના મેદાન તરીકે વાપરી શકશે.આ જોગવાઈથી એવું સ્પષ્ટ થાય છે કે સરકાર હવે જમીન પરના મેદાનના બદલે શાળાઓને સિમેન્ટના ધાબા પર જ બાળકોને દોડાવવાની છૂટ આપી રહી છે જે ખરેખર અત્યંત ચિંતાજનક બાબત છે.સૌથી મોટો તર્ક એ છે કે ક્રિકેટ, ફૂટબોલ, હોકી કે કબડ્ડી જેવી અનેક લોકપ્રિય રમતો એવી હોય છે કે જે ધાબા પર રમી જ ન શકાય. ખુલ્લા મેદાન વિના બાળકો કઈ રીતે દોડની સ્પર્ધાઓ કે હાઈ જમ્પ-લોંગ જમ્પ જેવી રમતો રમી શકે? માત્ર કાગળ પર 'વર્ટિકલ પ્લેગ્રાઉન્ડ' લખી દેવાથી વાસ્તવિક મેદાનની ગરજ સરી જતી નથી અને આ મર્યાદિત જગ્યામાં તો બાળકો માત્ર ઊભા રહીને આંટા જ મારી શકે, રમતગમત તો ક્યારેય થઈ જ ન શકે.
આ પણ વાંચોઃ GSSSB: CCE પ્રિલિમ્સના માર્ક્સ જાહેર, 41 ઉમેદવારોનું પરિણામ અનામત