ગુજરાત સાયન્સ સિટી ખાતે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણીના ભાગરૂપે તા. 21 થી 23 ઓગસ્ટ દરમિયાન ત્રિદિવસીય ‘સ્પેસ ફેસ્ટિવલ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવના સમાપન સમારોહમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ દિવસ દરમિયાન હજારો મુલાકાતીઓ, વિદ્યાર્થીઓ અને યુવાનોએ અવકાશ વિજ્ઞાન આધારિત વિવિધ પ્રદર્શનો, વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓનો ઉત્સાહભેર લાભ લીધો હતો.
વિદ્યાર્થીઓને મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું પ્રેરણાદાયી આહ્વાન
સમાપન સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, માત્ર પરીક્ષા પાસ કરવી એ સફળતાની સાચી વ્યાખ્યા નથી, પરંતુ કોઈ પણ ક્ષેત્રમાં 'એક્સિલન્સ' હાંસલ કરવી એ ખરી સફળતા છે. તેમણે ડૉ. વિક્રમ સારાભાઈ, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, ડૉ. હોમી ભાભા અને ડૉ. સતીશ ધવન જેવા મહાન વૈજ્ઞાનિકોના ઉદાહરણ આપીને વિદ્યાર્થીઓને સતત શીખવાની ટેવ જીવનમાં ઉતારવા પ્રેરણા આપી હતી.

આધુનિક યુગ અને ટેકનોલોજીનું મહત્વ
બદલાતા સમય અને યુદ્ધોના બદલાતા સ્વરૂપનો ઉલ્લેખ કરતા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, અગાઉ પરંપરાગત હથિયારોથી લડાઈ થતી હતી, જ્યારે આજના યુગમાં સાયબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન અને અદ્યતન ટેકનોલોજી અત્યંત મહત્વપૂર્ણ બની છે. નવી પેઢીએ આ ક્ષેત્રોમાં નિપુણતા મેળવીને દેશની સુરક્ષા અને સર્વાંગી વિકાસમાં સક્રિય યોગદાન આપવું પડશે.

સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતની અગ્રણી કામગીરી
મંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ દેશનું મહત્વપૂર્ણ અવકાશ સંશોધન કેન્દ્ર બન્યું છે. આજે ગુજરાતમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC), ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL), ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) જેવી પ્રખ્યાત સંસ્થાઓ કાર્યરત છે. સાયન્સ સિટી ઉપરાંત જિલ્લા અને પ્રાદેશિક કક્ષાના સાયન્સ સેન્ટરો મારફતે બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવામાં આવી રહ્યો છે. તેમજ સેમિકન્ડક્ટર, AI, ક્વોન્ટમ અને સ્પેસ ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં યુવાનો માટે નવી તકો ઊભી થઈ રહી છે.

વિકસિત ભારત 2047 અને પુરસ્કાર વિતરણ
તેમણે ઉમેર્યું કે, વર્ષ 2047નું વિકસિત ભારત એ આજના યુવાનોનું ભારત હશે, તેથી નવી પેઢીએ જ્ઞાન-વિજ્ઞાન અને નવીનતાના બળે આત્મનિર્ભર ભારત નિર્માણમાં જોડાવાનું છે. સમારોહના અંતે સ્પેસ ફેસ્ટિવલ દરમિયાન યોજાયેલી રંગોળી સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કારો તેમજ સહભાગી સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સને પ્રમાણપત્રો એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - Attacks on Gujaratis in USA: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, દીકરીની નજર સામે જ પિતાને મારી ગોળી