અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે શિક્ષણના સૌથી મોટા ધામ સમાન ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની હાલત દયનીય બની ગઈ છે. બે દિવસ અગાઉ શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ આખું કેમ્પસ બેટમાં ફેરવાઈ ગયું હતું. આશ્ચર્યની વાત એ છે કે વરસાદ રોકાઈ ગયાને બે દિવસનો સમય વિતી ગયો હોવા છતાં, યુનિવર્સિટી પ્રશાસન કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. ખાસ કરીને હજારો વિદ્યાર્થીઓના આશ્રયસ્થાન સમાન 'સમરસ હોસ્ટેલ' ની બહાર ચારેકોર માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે.
ગટરના પાણી ભળતા નરકાગાર જેવી સ્થિતિ
સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે કેમ્પસની મુખ્ય ડ્રેનેજ લાઈનો બ્લોક હોવાના કારણે ગટરના ગંદા અને પ્રદૂષિત પાણી આ વરસાદી પાણીમાં ભળી ગયા. અત્યારે સમરસ હોસ્ટેલની બહારથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે કારણ કે આખા વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ મારી રહી છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ કમળો, કોલેરા, ટાઈફોઈડ અને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગચાળાના ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. વિદ્યાર્થીઓને કેન્ટીન સુધી જવામાં કે પોતાના ડિપાર્ટમેન્ટ સુધી પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે તેમનું શૈક્ષણિક કાર્ય પણ ખોરવાયું છે.
