રાજ્યની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત ગણાતી ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર મોટા ભ્રષ્ટાચારના વિવાદમાં ઘેરાઈ છે. પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે ચાલી રહેલી ગેરરીતિઓની તપાસનો મુદ્દો હજુ શમ્યો નથી, ત્યાં યુનિવર્સિટી પરિસરમાંથી કચરાના નિકાલના નામે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું હોવાનું નવું કૌભાંડ સપાટી પર આવ્યું છે. 350 એકર જમીનમાં ફેલાયેલા વિશાળ કેમ્પસમાંથી સૂકો અને ભીનો કચરો ઉપાડવા માટે બજાર ભાવ કરતાં ત્રણ ગણા નાણાં ચૂકવીને વહીવટી તંત્ર અને એસ્ટેટ વિભાગે માનીતી એજન્સીને કમાણી કરાવી આપી હોવાનો વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા સનસનાટીભર્યો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની જાહેર ટેન્ડર પ્રક્રિયા વગર છેલ્લા 6 વર્ષથી ‘ધ્રુવ કોર્પોરેશન’ નામની એજન્સીને કરોડો રૂપિયાના બિલો ચૂકવાતા હોવાનો ઘટસ્ફોટ થતાં શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

2,500 ના ટ્રક ભાડા પેટે ચૂકવાયા 8,000 ખુલ્લી લૂંટનો આરોપ

 અમદાવાદ શહેરમાં કચરા કે માટીના નિકાલ માટે સામાન્ય ટ્રકનું ભાડું ₹2,500 થી ₹3,000 જેટલું હોય છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ટ્રક દીઠ અધધ... ₹8000 ની ચૂકવણી કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. NSUI ના આક્ષેપ મુજબ, નિયમ મુજબ કોઈપણ મોટા ખર્ચ માટે ઈ-ટેન્ડરિંગ અનિવાર્ય હોવા છતાં, કોઈ ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વિના સીધેસીધું ‘ધ્રુવ કોર્પોરેશન’ ને છેલ્લા છ વર્ષથી લાખો-કરોડો રૂપિયાની ચૂકવણી કરવામાં આવી રહી છે.કેમ્પસની જાળવણી અને કોન્ટ્રાક્ટ્સની દેખરેખ રાખતા એસ્ટેટ વિભાગની મિલીભગત વગર આટલું મોટું કૌભાંડ શક્ય ન હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી ફીના નાણાંનો આ રીતે બેફામ વેડફાટ થતો હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શિત કરાયો છે.

કુલપતિની 7 દિવસમાં તપાસની ખાતરી

NSUI ના ઉગ્ર વિરોધ અને આવેદનપત્ર બાદ યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ દ્વારા સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરાવી આગામી ૭ દિવસમાં અહેવાલ રજૂ કરવાની ખાતરી આપવામાં આવી છે.જોકે, વિદ્યાર્થી સંગઠનો અને સેનેટ સભ્યોનો સીધો આક્ષેપ છે કે યુનિવર્સિટીમાં ગમે તેટલા કૌભાંડો બહાર આવે છતાં જવાબદારો સામે ક્યારેય ફોજદારી ગુનો (FIR) નોંધાતો નથી કે કોઈની ધરપકડ થતી નથી; માત્ર કમિટીઓ રચીને મામલા પર ઢાંકપિછોડો કરવામાં આવે છે.વિદ્યાર્થીઓના નાણાંની ખુલ્લેઆમ લૂંટ ચલાવનારા એસ્ટેટ વિભાગના જવાબદાર અધિકારીઓ અને એજન્સી સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધી રિકવરી કરવામાં આવે તેવી લોકલાગણી પ્રબળ બની છે.

આ પણ વાંચો: Amreli: માત્ર 60 હજાર માટે 2 જિંદગીઓને જીવતી સળગાવી દીધી! લીલીયાના ગુંદરણ ડબલ મર્ડર કેસમાં મોટો ઘટસ્ફોટ