ગુજરાત યુનિવર્સિટી કેન્ટીનમાં જોવા મળતી અતિશય ગંદકી અને અખાદ્ય ભોજનના મુદ્દે NSUI દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUI ના કાર્યકર્તાઓએ કકેન્ટીનની તાળાબંધી કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
યુનિવર્સિટી કેન્ટીનમાં સ્વચ્છતાનો સદંતર અભાવ
પ્રાપ્ત માહિતી અનુસાર, યુનિવર્સિટી કેન્ટીનમાં સ્વચ્છતાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો ન આવતા, NSUI ના કાર્યકર્તાઓ મેદાનમાં ઉતર્યા હતા. તેમણે કેન્ટીનની અંદરની પરિસ્થિતિનો ખુલાસો કરતા જણાવ્યું કે, ખુલ્લા અને ગંદા વાસણોમાં ભોજન રાખવામાં આવે છે, જેના પર માખીઓ બણબણતી જોવા મળે છે. આ ઉપરાંત, રોટલીનો લોટ પણ ખુલ્લી હાલતમાં રાખવામાં આવતો હોવાનું સામે આવ્યું છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે.
નક્કી કરાયેલા ભાવ કરતા વધુ ચાર્જ વસુલાય છે
NSUI ના કાર્યકર્તાઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, કેન્ટીન સંચાલકો દ્વારા ટેન્ડરમાં નક્કી કરાયેલા ભાવ કરતા થાળીનો વધુ ચાર્જ વસુલવામાં આવે છે. એક તરફ અખાદ્ય અને ગંદુ ભોજન પીરસવામાં આવે છે અને બીજી તારદ વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે જે તદ્દન ખોટું છે. વિરોધ પ્રદર્શન દરમિયાન NSUIના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરીને પોતાની માંગણીઓ રજૂ કરી હતી. જોકે, પરિસ્થિતિ વણસતા પોલીસે દરમિયાનગીરી કરી અને NSUI ના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.









