હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થશે. એક તરફ કાળઝાળ ગરમી અને અકળામણ ભરેલું વાતાવરણ રહેશે, તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સિસ્ટમ સક્રિય થવાના કારણે 19 ઓક્ટોબરે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ (માવઠું) થવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ચોક્કસ ભાગોમાં વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, વલસાડ અને નવસારી જિલ્લાઓની સાથે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં 19 ઓક્ટોબરના રોજ માવઠું પડી શકે છે. અચાનક વાતાવરણમાં આવનારા આ પલટાના કારણે ખાસ કરીને ખેડૂતોમાં ઊભા પાકને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

