ગુજરાતમાં ઋતુચક્ર બદલાતાંની સાથે જ તાપમાનમાં મોટો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી તાજી આગાહી મુજબ, રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકના રાજકોટ અને પોરબંદરમાં મહત્તમ તાપમાન ઊંચકાતાં ગરમીનો પારો ૩૯ ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી ગયો છે. ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાઈ રહેલા સૂકા પવનોના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટ્યું છે, જેના પગલે આગામી સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેશે.
રાજકોટ અને પોરબંદરમાં સૌથી વધુ ગરમી
હવામાન વિભાગના તાજા આંકડા અનુસારરાજ્યમાં હાલ દિવસ દરમિયાન કાળઝાળ તડકો અને રાત્રિના સમયે સામાન્ય ઠંડક એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પોરબંદર તેમજ રંગીલા રાજકોટ શહેરમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાયું છે, જ્યાં પારો ૩૯ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતાં બપોરના સમયે લૂ જેવા ગરમ પવનોનો અહેસાસ થઈ રહ્યો છે.આગામી 2 થી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં હજુ પણ સામાન્ય વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
