ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ હવે વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી નવી આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં મિશ્ર ઋતુ (ડબલ સઝન) ની અસર પ્રવર્તશે. નાગરિકોને સવારના સમયે વાતાવરણમાં હળવી ગુલાબી ઠંડીનો અહેસાસ થશે, જ્યારે બપોરના સમયે સૂર્યનારાયણના આકરા તાપને કારણે કાળઝાળ ગરમી અનુભવાશે. વાતાવરણમાં આવી રહેલા આ ફેરફારથી લોકો બેવડી મોસમનો સામનો કરી રહ્યા છે.
તાપમાનનો પારો અને પવનની ગતિ અંગે આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 37 થી 38 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે, જેના કારણે બપોરે ઉકળાટ અને બળબળતો તાપ અનુભવાશે. જ્યારે રાત્રિ અને સવારના સમયે લઘુત્તમ તાપમાન ઘટીને 25 થી 26 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતાં ઠંડક પ્રસરી જશે. આ ઉપરાંત, પવનની દિશા દક્ષિણ-પશ્ચિમી રહેવાની સાથે પવનની ગતિ કલાકના 15 થી 20 કિલોમીટરની ઝડપે રહેવાનો અંદાજ વર્તાવવામાં આવ્યો છે.

