રાજ્યભરમાં ધીમા પગલે શિયાળાનું આગમન શરૂ થઈ ગયું છે. વાતાવરણમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાંથી આવતા પવનો ફૂંકાવાનું શરૂ થતાં વહેલી સવારે સામાન્ય ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જોકે, દિવસ દરમિયાન સૂર્યનો આકરો તડકો રહેતો હોવાથી રાજ્યમાં હાલ બેવડી ઋતુ (મિશ્ર ઋતુ) ની અસર યથાવત છે.

વહેલી સવારે સામાન્ય ઠંડીનો ચમકારો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની ગતિમાં ક્રમશઃ વધારો થવાના કારણે સવારના સમયે ઠંડીનો અહેસાસ વધુ તીવ્ર બની રહ્યો છે, જ્યારે બપોરે ઉનાળા જેવો અહેસાસ થતો હોવાથી નાગરિકો મિશ્ર વાતાવરણનો સામનો કરી રહ્યા છે.

લઘુતમ અને મહત્તમ તાપમાનની સ્થિતિ

 રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 19 થી 21 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે, જેના કારણે મોડી રાત્રે અને સવારે ખુશનુમા ઠંડક વર્તાઈ રહી છે. દિવસનું મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતાં બપોરના સમયે સામાન્ય ઉકળાટ અને તાપનો સામનો કરવો પડી રહ્યો છે. પવનોની દિશા બદલાતાં અને ઉત્તર ભારત તરફથી આવતા સૂકા પવનોની ગતિ તેજ થતાં આગામી દિવસોમાં રાત્રિના તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. દિવસ અને રાતના તાપમાન વચ્ચે 15 ડિગ્રી જેટલો મોટો તફાવત હોવાથી શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થવાની શક્યતા રહેલી છે.

આ પણ વાંચો: તહેવારો ટાણે જ સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ!