ગુજરાતમાં ભાદરવા મહિનાના ઉત્તરાધે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેલ માર્ક્ડ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. પંચમહાલના કાલોલ શહેર અને આસપાસના પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. બોટાદ શહેરના મંગળપરા, પાળીયાદ રોડ, રેલ્વે સ્ટેશન, ખોડીયાર નગર, ગઢડા રોડ તેમજ સેંથળી, સમઢીયાળા અને લાઠીદડ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર વાપસી

બીજી તરફ, દાહોદના દેવગઢબારિયા અને વડોદરા શહેરના રાવપુરા, દાંડિયા બજાર, છાણી, નિઝામપુરા, મકરપુરા અને માંજલપુર વિસ્તારોમાં વીજળીના ભયંકર ગડગડાટ સાથે વરસાદ વરસ્યો હતો. લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા વિદાય વેળાએ ગરજ્યા અને વરસ્યા હોવાથી વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને અસહ્ય ગરમી-બફારાથી મોટી રાહત મળી છે.

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદી માહોલ

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ભારે પવન સાથે માત્ર બે કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ સંજીવની સમાન સાબિત થયો છે. વડાલી પંથકમાં ભારે વરસાદ છતાં ભાદરવી પૂનમના મેળા નિમિત્તે મોટા અંબાજી તરફ જઈ રહેલા માઈભક્તો અને પદયાત્રીઓના ઉત્સાહમાં કોઈ ઓટ આવી ન હતી અને શ્રદ્ધાળુઓ ચાલુ વરસાદમાં પણ "જય અંબે"ના નાદ સાથે આગળ વધતા જોવા મળ્યા હતા.

સૌરાષ્ટ્ર-કચ્છમાં પવન સાથે વરસાદનું યલો એલર્ટ

હવામાન વિભાગની સત્તાવાર સચોટ માહિતી મુજબ, રાજ્યમાં પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિકલાક અને કેટલાક વિસ્તારોમાં 40 કિમી પ્રતિકલાકની ઝડપે ઠંડા પવન ફૂંકવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં પવન સાથે વરસાદની શક્યતાને પગલે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ અને વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Khambhat: સગા બાપે જ સગીર દીકરી પર પાંચ વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, પિતાની પોલીસે કરી ધરપકડ