અમદાવાદ શહેરના જીએમડીસી (GMDC) ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત થતા પ્રખ્યાત 'વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ'માં આ વખતે ઓનલાઇન પાસ અને એન્ટ્રી ચાર્જ લાગુ કરવા અંગે સર્જાયેલા રાજકીય ગરમાવા વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. ભૂતકાળમાં નાગરિકો માટે બિલકુલ વિનામૂલ્યે (ફ્રી) રહેલી પ્રવેશ પ્રક્રિયા સામે આ વર્ષે બુકિંગ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો હોવાના વિપક્ષના આક્ષેપો સામે તેમણે ખુલાસો કર્યો હતો કે, ઓનલાઇન મૂકવામાં આવેલા આ પાસ કોઈ કમાણી માટે નહીં પરંતુ માત્ર વ્યવસ્થા જાળવવા માટે મૂકાયેલા 'ટોકન' છે.
ગરબા રસિકોને સીધી અને સરળ એન્ટ્રી આપવાનો હેતુ
હર્ષ સંઘવીએ વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓએ પૂરતી માહિતી અને નીતિ વાંચી જ નથી અને અડધી-પડધી વિગતો સાથે ભ્રમ ફેલાવી રહ્યા છે. રૂ. 100 કે 200 જેવા સામાન્ય ટોકન દરે લોકો ઘેરબેઠા ઓનલાઇન પાસ બુક કરાવી શકે તેવું સુચારુ આયોજન કરાયું છે. આ સિસ્ટમ લાવવા પાછળનો મુખ્ય આશય એ છે કે ગરબા જોવા આવતા નાગરિકોને સ્થળ પર કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહેવું ન પડે અને તેમને સુરક્ષિત તથા સરળતાથી ગ્રાઉન્ડમાં સીધી એન્ટ્રી મળી રહે.
