અમદાવાદ શહેરમાં સ્પીડ લિમિટના ધજાગરા ઉડાવતા ભારે વાહનો માસૂમ વાહનચાલકો માટે કાળ સાબિત થઈ રહ્યા છે. અમદાવાદ શહેરના હાથીજણ રિંગરોડ પર વધુ એક હૃદયકંપાવનારો અને જીવલેણ અકસ્માત સર્જાયો છે. રિંગરોડ પરથી પસાર થઈ રહેલા એક બાઈક સવાર યુવકને કાળ બનીને આવેલી મિની ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, યુવકને સંભળવાનો મોકો પણ મળ્યો ન હતો અને તેણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.
ઈંટો ભરેલી મિની આઈસરે યુવકને લીધો અડફેટે
પ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માત સર્જનાર વાહન ઈંટોથી ભરેલી મિની આઈસર ટ્રક હતી. રોડ પર ફૂલ સ્પીડે જઈ રહેલા આઈસરના ચાલકે ગફલતભરી રીતે હંકારીને બાઈકને જોરદાર ટક્કર મારી દીધી હતી. ટક્કર વાગતા જ યુવક રોડ પર પટકાયો હતો અને કમનસીબે તેનું માથું આઈસર ટ્રકના આગળના વ્હીલ નીચે આવી ગયું હતું. વ્હીલ ફરી જતાં યુવકનું ઘટના સ્થળે જ કંપારી છૂટી જાય તેવું કરુણ મોત નીપજ્યું હતું.
