વર્લ્ડ સ્ટ્રોક ડે નિમિત્તે હેલ્થ એક્સપર્ટ્સે એક ચિંતાજનક ટ્રેન્ડ તરફ ધ્યાન દોર્યું છે. હવે 50 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોમાં સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઇન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચ (NCDIR) ના ડેટા મુજબ, ભારતમાં દર વર્ષે 1.6 મિલિયનથી વધુ નવા સ્ટ્રોકના કેસ નોંધાય છે અને આ આંકડાઓમાં, પ્રત્યેક 10માંથી 4 દર્દીઓની ઉંમર 50 વર્ષથી નીચેની હોય છે.
યુવાનોમાં સ્ટ્રોક વધવાના મુખ્ય કારણો
એક સમયે વૃદ્ધોની બીમારી ગણાતો સ્ટ્રોક હવે યુવા વસ્તીને અસર કરી રહ્યો છે, જેનું મુખ્ય કારણ જીવનશૈલી સંબંધિત પરિબળો છે. બેઠાડી જીવનશૈલી, સ્ટ્રેસ, આહારમાં બદલાવ અને શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ. હાઇ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, હાઇપરટેન્શન (હાઈ બ્લડ પ્રેશર). ધુમ્રપાન અને આલ્કોહોલનું સેવન. જાણકારોનું માનવું છે કે સ્ટ્રોક હવે જીવનશૈલી સંબંધિત બીમારી તરીકે ઊભરી રહ્યો છે, તેથી વહેલું નિદાન અને હસ્તક્ષેપ ખૂબ જ જરૂરી છે.
'BEFAST' દ્વારા લક્ષણોની ઓળખ
ડોક્ટરોના કહેવા મુજબ, સ્ટ્રોકથી થતા લાંબાગાળાના નુકસાનને ઘટાડવા માટે સમય સૌથી મહત્વપૂર્ણ છે. સ્ટ્રોકના લક્ષણોની વહેલી ઓળખ કરવાથી વ્યક્તિનું જીવન બચાવી શકાય છે. આ માટે યાદ રાખવાની સરળ રીત 'BEFAST' છે: B (બેલેન્સ): અચાનક સંતુલન ગુમાવવું. E (આઇ/Eyes): આંખોમાં ઝાંખપ આવવી. F (ફેસ/Face): ચહેરાની એક બાજુ ઝુકી જવી. A (આર્મ્સ/Arms): એક હાથમાં નબળાઈ અથવા નિષ્ક્રિયતા. S (સ્પીચ/Speech): બોલવામાં તકલીફ પડવી. T (ટાઇમ/Time): તાત્કાલિક તબીબી મદદ લો. જો આમાંથી કોઈ પણ લક્ષણ અનુભવાય, તો વિલંબ કર્યા વગર નજીકની સ્ટ્રોક-રેડી હોસ્પિટલમાં જવું જોઈએ.
સ્ટ્રોક માટે 'ગોલ્ડન અવર' અને આધુનિક સારવાર
અમદાવાદના ઇન્ટરવેન્શનલ ન્યુરોલોજિસ્ટ ડૉ. દેવાશીષ વ્યાસના મતે, સ્ટ્રોક આવ્યા બાદ પ્રથમ 60 મિનિટ એટલે કે "ગોલ્ડન અવર" ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમયગાળામાં ઝડપી કાર્યવાહીથી રિકવરીની તકો વધી જાય છે.સિનિયર કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ ડૉ. સુચેતા મુદગેરિકર કહ્યું કે હવે સ્ટ્રોકમાં પ્રભાવી સારવાર ઉપલબ્ધ છે, જેનાથી દર્દી રોજિંદી કામગીરી ફરીથી શરૂ કરવા સક્ષમ બને છે.
આધુનિક સ્ટ્રોક કેરમાં મુખ્યત્વે બે સારવાર પદ્ધતિઓ
IV થ્રોમ્બોલિસિસ: નસ દ્વારા અપાતી દવા, જે લોહીનું ગંઠન ઓગાળે છે. તે લક્ષણો બાદ પ્રથમ 4.5 કલાકમાં પ્રભાવી હોય છે. મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી: એક ઓછી આક્રમક પ્રક્રિયા, જેમાં બ્લોક થયેલી મગજની નસમાંથી ક્લોટને ફિઝિકલ રીતે દૂર કરવામાં આવે છે. તે પ્રથમ 6 કલાકમાં અને કેટલાક કેસમાં 24 કલાક સુધી અસરકારક રહે છે. બચાવ જ સૌથી પ્રભાવી પરિબળ સ્ટ્રોકની સારવારના વિકલ્પો અસરકારક હોવા છતાં, તેનાથી બચવા માટે પ્રિવેન્શન (નિવારણ) સૌથી પ્રભાવી પરિબળ છે. સ્વાસ્થ્ય અધિકારીઓ લોકોને જોખમી પરિબળો સમજવા, વહેલા લક્ષણોની ઓળખ કરવા અને જરૂર પડ્યે તાત્કાલિક સારવાર માટે પ્રોત્સાહિત કરે છે. આ માહિત માત્ર જાણકારી માટે છે. સચોટ જાણકારી માટે યોગ્ય તબિબની સલાહ લેવી આવશ્યક છે.