અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે પૂર્વ વિસ્તારની સ્થિતિ અત્યંત વિકટ બની છે. પૂર્વ અમદાવાદના ખોખરા વિસ્તારમાં ચારેકોર વરસાદી પાણી ભરાઈ જતાં રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હતા. ખાસ કરીને ફિઝિકલ ગ્રાઉન્ડ આસપાસના સમગ્ર વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાઈ જવાથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે પૂર્વ વિસ્તારના રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં ઘૂસ્યા પાણી
વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં ખોખરા સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનોમાં પાણી ભરાઈ જવાથી ઘરોમાં રહેલી ઘરવખરી અને કિંમતી સામાન પલળી જતાં સ્થાનિક રહીશોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘરની અંદર પાણી ફરી વળતાં નાના બાળકો અને વૃદ્ધો સાથે રહેતા પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને આખી રાત કે દિવસ પાણી ખાલી કરવાની કવાયતમાં વિતાવવો પડ્યો હતો.
