ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. જયારે રાજ્યભરમાં સાર્વત્રિક રીતે મધ્યમ વરસાદ જોવા મળશે. આ આગાહીને પગલે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
રાજસ્થાનમાં ડિપ્રેશનના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં એક ડિપ્રેશન સક્રિય થયું છે જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આ સિસ્ટમની અસર હેઠળ દરિયાકાંઠે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે કેટલાક જિલ્લાઓ માટે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ
તમને જણાવી દઈએ કે, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર કચ્છ, મોરબી અને જામનગર જિલ્લાઓ માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જે સૂચવે છે કે આ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યના મુખ્ય શહેરોની વાત કરીએ તો, અમદાવાદ અને ગાંધીનગરમાં આજે મધ્યમ વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.









