વડોદરાની વિવાદિત જમીન મામલે પૂર્વ ક્રિકેટર અને TMCના સાંસદ યુસુફ પઠાણની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે.ગુજરાત હાઈકોર્ટની ડબલ જજની બેન્ચ સમક્ષ આજે યોજાયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે યુસુફ પઠાણની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું હતું કે, કોઈ કાયદેસરનું એલોટમેન્ટ થયું જ નથી.હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે,જો ફોર્માલિટી પૂર્ણ ન થઈ હોય કે કોઈ લીઝ ડીડ ન થઈ હોય અને તમે એક પણ રૂપિયો ચૂકવ્યો ન હોય તો જમીન પર ગેરકાયદેસર કબજો કેવી રીતે કર્યો? 


સરકારી જમીન લેવી યુસુફ પઠાણને ભારે પડી

હાઈકોર્ટે આ કૃત્યને ગુનો ગણાવતા કહ્યું કે તમે અભણ નથી એક ઈન્ટરનેશનલ ક્રિકેટર પાસેથી આવી આશા રાખી શકાય નહીં.સુનાવણી દરમિયાન હાઈકોર્ટે વડોદરા કોર્પોરેશનની કામગીરી અને પારદર્શિતા સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.હાઈકોર્ટે ટકોર કરી હતી કે કોર્પોરેશન કોઈ વ્યક્તિને મનસ્વી રીતે પસંદ કરીને સરકારી પ્લોટ આપી શકે નહીં.તેના માટે ખુલ્લી હરાજી અને પારદર્શક પોલિસી હોવી જરૂરી છે.કોર્પોરેશને મંજૂરી માટે દરખાસ્ત સરકારને મોકલી હતી અને રાજ્ય સરકારે વર્ષ 2024માં આ અરજી નકારી કાઢી હતી. આ બાબતે હાઈકોર્ટે યુસુફ પઠાણના વકીલને સવાલ કર્યો હતો કે, તમને આ જમીનનો કબજો કયા અધિકારીએ આપ્યો તેનું નામ આપો, જેથી તેની સામે પણ તપાસનો હુકમ કરી શકાય. 

વડોદરાની જમીન મુદે હાઈકોર્ટે ટિપ્પણી કરી 

હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે જો તમે જમીન વાપરતા ન હોવ તો પણ તે તમારા કબજામાં હોવાથી માર્કેટ કિંમતે ભાડું ચૂકવવું પડશે અને સરકારી જમીન પર અનધિકૃત ફેન્સિંગ કરવા બદલ દંડ પણ થઈ શકે છે.યુસુફ પઠાણ વતી હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે વર્ષ 1999ની રાજ્ય સરકારની પોલિસી મુજબ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે તેઓ જમીન મેળવવા હકદાર છે.વર્ષ 2012થી આ પ્રક્રિયા ચાલતી હતી અને જમીન વર્ષ 2014થી તેમના કબજામાં છે, તો તંત્રે વર્ષ 2024માં કેમ નોટિસ આપી? જો કે, હાઈકોર્ટે આ દલીલો નકારી કાઢીને જણાવ્યું કે જો પખવાડિયામાં જમીન ખાલી કરવામાં નહીં આવે તો કોર્ટ ઓથોરિટીને પઝેશન લેવાનો હુકમ કરશે.આ હાઈપ્રોફાઈલ કેસની વધુ સુનાવણી આગામી 15 જૂનના રોજ નિયત કરી છે.

આ પણ વાંચોઃ 

  • Follow us on: