શહેરના ખોખરા વિસ્તારમાં કાંકરિયા રોડ પર આવેલ કે.કે. શાસ્ત્રી કોલેજ નજીક ન્યુ ગ્રીન માર્કેટ પાસે મોડી રાત્રે એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં એક સિક્યુરિટી ગાર્ડનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે.


ખોખરામાં હિટ એન્ડ રન

મળતી માહિતી મુજબ, મૃતક રમણભાઈ પરમાર ન્યુ ગ્રીન માર્કેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. તેઓ રાત્રે આશરે 3 વાગ્યાના સુમારે ચા પીવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન, એક અજાણ્યા અને પૂરપાટ ઝડપે આવતા વાહનના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા તેઓ રોડ પર પટકાયા હતા અને અજાણ્યા વાહનનું વ્હીલ તેમના માથા ઉપરથી ફરી વળ્યું હતું, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું.

 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ઘટના બન્યા બાદ રાત્રિના સમયે ત્યાંથી પસાર થતા લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ટ્રાફિક પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ (PM)ની કાર્યવાહી માટે મોકલી આપ્યો છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધીને, અકસ્માત સર્જીને ફરાર થયેલા વાહન અને તેના ચાલકને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

  • Follow us on: