ભાવનગરમાં ભૂતકાળમાં સર્જાયેલા દર્દનાક લઠ્ઠાકાંડમાં 14થી વધુ લોકોના મોત થયા હોવાની ગંભીર ઘટના બાદ પણ અસામાજિક તત્વો અને બુટલેગરો બેફામ બન્યા છે. રાજ્યમાં પ્રોહિબિશનના કડક અમલ વચ્ચે ભાવનગર, કચ્છના આદિપુર અને મોરબીના મોટા દહિંસરામાં વિદેશી દારૂ બનાવતી નકલી ફેક્ટરીઓ એકપછી એક ઝડપાતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ દરોડામાં સામે આવેલા દ્રશ્યો દર્શાવે છે કે રાજ્યમાં કેમિકલયુક્ત ઝેરી દારૂનું નેટવર્ક કેટલું ઊંડું ઉતરી ગયું છે.
રાજ્યમાં બુટલેગરો બેફામ બન્યા
ભાવનગર LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે શહેરમાં ચાલી રહેલી દારૂની બનાવટી ફેક્ટરી પર દરોડો પાડીને રેલવે કર્મચારી સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસે સ્થળ પરથી 180 MLની 17 પ્લાસ્ટિક બોટલો, અલગ-અલગ બ્રાન્ડના 382 નંગ નકલી સ્ટીકરો અને કેમિકલયુક્ત પ્રવાહી ભરેલો કેરબો જપ્ત કર્યો છે.નકલી દારૂ બનાવવા માટે વપરાતા શંકાસ્પદ કેમિકલના 400 ML પ્રવાહીમાંથી 200 MLની 2 બોટલો સેમ્પલ તરીકે લઈ તેને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ખાતે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
રાજસ્થાનથી નકલી દારૂનું મટીરીયલ આવતું
તપાસમાં ખુલાસો થયો છે કે રાજસ્થાનના એક શખસે નકલી દારૂ બનાવવાનું મટીરીયલ પાર્સલ મારફતે મોકલ્યું હતું, જ્યારે બીજા શખસે ભાવનગર આવીને આ કાળો કારોબાર શરૂ કર્યો હતો. આ સમગ્ર રેકેટમાં સાળા-બનેવીની જોડી મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે.કુલ 10 શખસો સામે પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઝડપાયેલા 3 આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
આદિપુર વિસ્તારમાંથી ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી પકડાઈ
ગત 26 ઓગસ્ટના રોજ કચ્છના આદિપુર વિસ્તારમાંથી પણ આવી જ એક ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી પકડાઈ હતી.પોલીસે 2 આરોપીઓને દબોચી તેમની પાસેથી 9,000 ખાલી બોટલો, 600થી વધુ ક્વાર્ટર અને 600 liter શંકાસ્પદ કેમિકલ કબજે કર્યું હતું.આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે બ્રાન્ડેડ કંપનીઓના નામે કેમિકલ પેક કરીને વેચવાનું કેટલું મોટું રેકેટ ધમધમી રહ્યું હતું.
મોરબીમાંથી ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી પકડાઈ
7 સપ્ટેમ્બરના રોજ મોરબી LCB ટીમે માળીયા (મીં) તાલુકાના મોટા દહિંસરા ગામે એક રહેણાંક મકાનમાં ચાલતી ગેરકાયદે ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો.પોલીસે સ્થળ પરથી 5 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય સૂત્રધાર પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો.પોલીસે કેમિકલ, ડુપ્લિકેટ દારૂ, ખાલી બોટલો, સ્ટીકરો, રોકડ અને કાર સહિત કુલ ₹20,75,444 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ નકલી દારૂનો જથ્થો બજારમાં સપ્લાય થાય તે પહેલાં જ પોલીસે તેને ઝડપી પાડીને ભાવનગર જેવા જ અન્ય એક સંભવિત લઠ્ઠાકાંડને અટકાવી દીધો હતો.
આ પણ વાંચો: Ahmedabad: સામાન્ય વરસાદમાં જ સાલ હોસ્પિટલ, કોતરપુર અને કુબેરનગરમાં પાણી ભરાયા, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા