અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જ્યાં માત્ર 'દૂધ નથી' તેવી નજીવી બાબતે એક લુખ્ખાએ ભાન ભૂલીને ભારે આતંક મચાવ્યો હતો. ચાંદખેડા ખાતે આવેલા એક પ્રોવિઝન સ્ટોર પર ગ્રાહક તરીકે આવેલા શખ્સે દૂધ માંગ્યું હતું, પરંતુ વેપારીએ દૂધ હાજર ન હોવાનું જણાવતા જ આ લુખ્ખો ઉશ્કેરાઈ ગયો હતો. સામાન્ય વાતમાં ઉગ્ર બનેલા આ શખ્સે દુકાનમાં ઘૂસીને ધમાલ મચાવવાનું શરૂ કર્યું હતું અને વેપારી સાથે ગાળાગાળી કરી હોબાળો મચાવ્યો હતો.

ફ્રિજ પાડી દઈ જાનથી મારવાની આપી ધમકી

આ ગુંડાગીરી દરમિયાન આરોપી પોતાના હાથમાં છરા જેવું ધારદાર હથિયાર લઈને દુકાનમાં ત્રાટક્યો હતો. તેણે દુકાનમાં મૂકેલું ફ્રિજ નીચે પાડી દીધું હતું અને કરિયાણાનો કિંમતી સામાન રસ્તા પર ફેંકી દઈ ભારે તોડફોડ કરી હતી. લુખ્ખાએ કરેલી આ તોડફોડના કારણે વેપારીને આશરે 25 હજાર રૂપિયાનું મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હતું. આટલેથી ન અટકતા, આ તત્વે વેપારી ભાઈઓને ધારદાર હથિયાર બતાવી સરેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આરોપી વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

દુકાનમાં તોડફોડ અને ધમકીની આ સમગ્ર ઘટના બાદ પીડિત વેપારી દ્વારા તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આરોપી મેહુલ કનુભાઈ ઝાપડીયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વેપારીઓને ધમકી આપી આતંક મચાવનાર આરોપી મેહુલ ઝાપડીયાને ઝડપી પાડવા માટે આગળની તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો