અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ફરી એકવાર પોતાની ઘોર બેદરકારી અને વહીવટી નિષ્ફળતાના કારણે વિવાદોના વમળમાં ફસાઈ છે. એક મહિલા દર્દીને અત્યંત ગંભીર હાલતમાં અને ઇમરજન્સી હોવા છતાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા સમયસર તબીબી સારવાર પૂરી પાડવામાં આવી ન હતી. હોસ્પિટલ પ્રશાસનની આ ગંભીર લાપરવાહીને કારણે દર્દી કલાકો સુધી પીડાથી કણસતી રહી હતી, પરંતુ ફરજ પરના તબીબો અને સ્ટાફના પેટનું પાણી પણ હાલ્યું ન હતું.

નર્સે કહ્યું- "બધું તમારે જાતે જ કરવું પડશે"

આ આઘાતજનક ઘટના દરમિયાન જ્યારે દર્દીની હાલત વધુ બગડવા લાગી, ત્યારે હાજર ડૉક્ટરોએ પોતાની નૈતિક અને વ્યવસાયિક જવાબદારી લેવાનું સાવ ટાળી દીધું હતું. આટલું ઓછું હોય તેમ, ત્યાં ફરજ બજાવતી નર્સે પીડાતા દર્દીના લાચાર પરિવારજનોને એવું સંવેદનહીન નિવેદન આપ્યું હતું કે, "અહીં બધું તમારે જાતે જ કરવું પડશે, કોઈ મદદ નહીં મળે." આ અમાનવીય વર્તન સાંભળીને ગભરાયેલા અને મજબૂર પરિવારજનોમાં ભારે આક્રોશ અને આઘાત ફેલાઈ ગયો હતો.

હોસ્પિટલની નબળી કામગીરી સામે ભારે રોષ

દર્દીને અંદર લઈ જવા માટે વોર્ડ બોય કે ક્લાસ-4 નો કોઈ કર્મચારી ન મળતાં, આખરે પરિવારજનોએ જાતે જ વીણી-ચૂંટીને સ્ટ્રેચરની વ્યવસ્થા કરવી પડી હતી અને દર્દીને સુવાડીને જાતે જ ખેંચી જવાની નોબત આવી હતી. સરકારી હોસ્પિટલની આવી કંગાળ કામગીરી અને અમાનવીય વ્યવહારને કારણે દર્દીના સગા-સંબંધીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાના બજેટ અને સુવિધાઓની વાતો કરતી સોલા સિવિલ સામે હવે કડક વહીવટી પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો