ગુજરાતના નાના-મોટા શહેરોમાં લારી-ગલ્લાથી લઈને કેટલીક નાની હોટેલોમાં સસ્તો અને નકલી ટામેટાં સોસ વાપરવાનું ચલણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.ફૂડ સેફ્ટી વિભાગના દરોડામાં અવારનવાર આ વાત સામે આવતી રહે છે કે જેને આપણે સ્વાદિષ્ટ સમજીને ખાઈએ છીએ, તેમાં ટામેટાંનો એક પણ ટુકડો હોતો નથી.આ ફેક્ટરીઓ ફૂડ લાયસન્સ વગર કે રહેણાંક વિસ્તારોમાં નકલી નામે ચાલતી હોવાથી માત્ર ચોક્કસ બાતમીના આધારે જ પકડાય છે.વળી, માલ પકડાય ત્યારે દંડની રકમ નફાની સરખામણીએ ખૂબ ઓછી હોવાથી,આ નફાખોરીનું બજાર અટકવાનું નામ નથી લેતું. ગ્રાહકો સસ્તા ફાસ્ટ ફૂડની ડિમાન્ડ કરે છે જે આ નકલી બજારના ટર્નઓવરને સતત વેગ આપે છે. 

નકલી સોસનું વાર્ષિક 200 કરોડનું બજાર

આ નકલી સોસના લાલ બજારનું અંદાજિત ટર્નઓવર, પ્રોફિટ માર્જિન અને નફાખોરીનું ગણિત ખૂબ જ સરળ છે.એકલા ગુજરાતના આઠ મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભુજ, મહેસાણા સહિત અન્ય નગરોના ખાણીપીણી બજારો, હાઈવેના ધાબા અને લારી-ગલ્લાઓનો દૈનિક વપરાશ જોતાં આ નેટવર્ક ઘણું મોટું છે.ગુજરાતનાં અંદાજિત ટર્નઓવરની વાત કરીએ તો રાજ્યભરમાં દરરોજ હજારો લીટર નકલી સોસ બનાવાય છે.માત્ર ગુજરાત પૂરતું જ આ નકલી સોસનું બજાર વાર્ષિક અંદાજે 150થી 200 કરોડનું હોવાનું મનાય છે.

નકલી સોસ

લાખો રૂપિયાની કમાણી ટેક્સ ચૂકવ્યા વગર 

જો આખા દેશના મેટ્રો સિટીઝ અને નાના શહેરો ગણીએ તો આ નકલી કલર-કેમિકલ સોસનું માર્કેટ 1500થી 2 હજાર કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે.નકલી સોસનું બજાર ત્રણ સ્તરે કરોડોની કમાણી કરે છે તેમાં પ્રથમ નંબરે મેન્યુફેક્ચરર્સનો આવે છે.તેઓ કોઈપણ બ્રાન્ડ નેમ વગર અથવા માર્કેટની પ્રખ્યાત બ્રાન્ડના નામે જ નકલી સ્ટીકરો લગાવીને માલ વેચે છે. રૂપિયા 5 માં તૈયાર થતો લીટર સોસ તેઓ હોલસેલરને 15 રૂપિયામાં આપે છે.રોજનું 5 હજાર લીટર પ્રોડક્શન કરનારી નાની ફેક્ટરી પણ દર મહિને લાખો રૂપિયાની કમાણી ટેક્સ ચૂકવ્યા વગર રોકડીથી કરે છે.

અસલી સોસ

કમિશન મેળવીને દર મહિને મોટું ટર્નઓવર રળે છે

શહેરોના જથ્થાબંધ અનાજ-કરિયાણા માર્કેટ અથવા શાકભાજી માર્કેટની આસપાસ બેસતા કેમિકલ વેપારીઓ આ સસ્તો સોસ સીધો લારી-ગલ્લાવાળા સુધી પહોંચાડે છે.તેઓ જથ્થાબંધ કમિશન મેળવીને દર મહિને મોટું ટર્નઓવર રળે છે.સામાન્ય રીતે ગ્રાહક ભુજિયા,સમોસા,પફ કે ચાઈનીઝ ખાતી વખતે સોસના અલગ પૈસા આપતો નથી.લારીવાળા માટે સોસ ફ્રી કોમ્પ્લીમેન્ટરી હોય છે.જો લારીવાળો રોજનો 5 કિલો અસલી સોસ વાપરે તો તેને 600નો ખર્ચ થાય.તેના બદલે આ નકલી સોસ વાપરવાથી તેનો રોજનો ખર્ચ માત્ર 100 થાય છે.આમ લારીવાળો સોસના નામે રોજ સોસ દીઠ 500 બચાવે છે આમ મહિને 15 હજારની સીધી બચત/નફો થાય છે.

નકલી ટોમેટા

રાજયના મુખ્ય વપરાશ કેન્દ્રો

અમદાવાદનો માણેકચોક, સુરતનો ખાઉગલી કે રાજકોટ-વડોદરા, જામનગર, ભુજ, જૂનાગઢના લારી-ગલ્લા. અહીં મળતા ભુજીયા, સમોસા, પકોડા, ચાઇનીઝ (નુડલ્સ/મંચુરિયન), પફ, સેન્ડવીચ અને વડાપાઉં સાથે આ સોસ ગ્રાહકોને ફ્રીમાં અને અમર્યાદિત માત્રામાં પીરસવામાં આવે છે.

આ પણ વાંચોઃ Ahmedabad News : વિમાન દુર્ઘટનાની તપાસ અંતિમ તબક્કામાં,ટૂંક સમયમાં રિપોર્ટ જાહેર કરાશે : ઉડ્ડયન મંત્રી