ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી ખુબ જ ધામધૂમ સાથે દેશ સહિત વિદેશમાં પણ કરવામાં આવી રહી છે. કૃષ્ણ જન્મને લઈને ભક્તોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કૃષ્ણ મંદિરોમાં લોકો 'હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી', 'મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે'ના નાદ લગાવી રહ્યા છે અને માહોલ કૃષ્ણમય બની ગયો છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ અમદાવાદના ઈસ્કોન મંદિર ખાતે પહોંચ્યા છે.
CMએ ઈસ્કોન મંદિરમાં કર્યા વ્હાલાના વધામણાં
મુખ્યપ્રધાને ઈસ્કોન મંદિરમાં પહોંચીને જન્માષ્ટમીની ઉજવણીનો લ્હાવો લીધો અને ભગવાનના દર્શન કરીને આર્શીવાદ લીધા અને વ્હાલાના વધામણા કર્યા છે. તમને જણાવી દઈએ કે ભારે ભીડ વચ્ચે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે અને કોઈને પણ અગવડ ના પડે તે માટે મંદિર દ્વારા પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અમદાવાદના રાધે ક્રિષ્ના મંદિર, ઈસ્કોન મંદિર ભાડજ, જગન્નાથ મંદિર, સોલા ભાગવત સહિતના અનેક મંદિરમાં જન્માષ્ટમીની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તમામ મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
CM ભૂપેન્દ્ર પટેલે કૃષ્ણ જન્મોત્સવની પાઠવી શુભેચ્છા
ઉલ્લેખનીય છે કે આજે સવારે જ રાજ્યના મુખ્યપ્રધાન CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ નાગરિકને સોશિયલ મીડિયા દ્વારા કૃષ્ણ જન્મોત્સવની શુભેચ્છા પાઠવી છે. મુખ્યપ્રધાને એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે રાજ્યના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ, જન્માષ્ટમી પરમ શ્રદ્ધાથી ઉજવાતો પર્વ છે. આ પર્વ સમાજમાં સમરસતા,બંધુત્વની ભાવના સુદ્રઢ બનાવશે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણની અપરંપાર કૃપા આપણા દેશ પર અવિરત વરસતી રહે, અને સૌના જીવનને સુખમય, નિરામય અને મંગલમય બનાવે એવી પ્રાર્થના.