ચોમાસાની સિઝન નજીક આવતાની આથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાહનચાલકો માટે એક ચોકાવનારી અને મહત્વની જાહેર ચેતવણી બહાર પાડવામાં આવી છે.મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જાહેરાત કરી છે કે,આગામી ચોમાસા દરમિયાન જો શહેરમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ પડશે તો શહેરના તમામ 25 જેટલા અંડરબિજોમાં પાણી ભરાઈ જશે.આ સ્થિતિમાં જો કોઈ વાહનચાલક પાણી ભરાયેલા અંડરબ્રિજમાંથી પસાર થશે અને કોઈ દુર્ઘટના ઘટશે તો તેની સંપૂર્ણ જવાબદારી નાગરિકોની પોતાની રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતે કોઈ જવાબઠારી સ્વીકારશે નહીં.
ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાવાની પૂરેપૂરી શક્યતાઓ
શહેરમાં વરસાદી પાણીના નિકાલમાં 2 કલાકથી વધુ સમય લાગતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાવાની પૂરેપૂરી શક્યતાઓ છે.સામાન્ય રીતે નિયમ મુજબ અંડરબિજમાં પાણી ભરાય ત્યારે તંત્ર દ્વારા તેને તાત્કાલિક ધોરણે બંધ કરવાનો હોય છે.પરંતુ કોર્પોરેશન તંત્રની અણધડ નીતિને કારણે પાણી ભરાઈ ગયા પછી પણ બ્રિજ સમયસર બંધ થતા નથી જેના લીધે અનેક વાહનચાલકો અધવચ્ચે ફસાઈ જાય છે.આ ગંભીર સમસ્યાને જોતાં તંત્રએ આ વર્ષે અગાઉથી જ હાથ ઊંચા કરી દીધા છે. અંડરબ્રિજોમાં પાણી ઓસરતા બે કલાકથી વધુનો સમય લાગી જાય છે.આ દરમિયાન વાહનચાલકોને ફરજિયાતપણ ઓવરબ્રિજ કે અન્ય વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડે છે. આ રૂટ પર વાહનો એકસાથે ત્યાંથી ડાયવર્ટ થતાં હોવાથી કલાકો સુધી ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાય તેમ છે.













