રાજ્યમાં નવરાત્રિ અને આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગેરકાયદે દારૂની હેરાફેરી સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત અમદાવાદ પોલીસને મોટી સફળતા સાંપડી છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનોમાં પોલીસે ઓચિંતો દરોડો પાડીને મોટા પાયે સંતાડવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બુટલેગરો પોલીસની નજરથી બચવા માટે જૂનાં કપડાંના પાર્સલની આડમાં રાજસ્થાનથી આ દારૂ મંગાવતા હોવાની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. પોલીસે સ્થળ પરથી 2,736 બોટલ વિદેશી દારૂ જપ્ત કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
હાઉસિંગ બોર્ડના મકાનમાં ચાલતું હતું દારૂનું છૂપું ગોડાઉન
કૃષ્ણનગર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાઉસિંગ બોર્ડના રહેણાંક મકાનોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મકાનમાં તલાશી લેતાં વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી, જેની ગણતરી કરતાં કુલ 2,736 બોટલો મળી આવી હતી. તપાસમાં ખૂલ્યું હતું કે બુટલેગરો પોલીસ અને ચેકપોસ્ટની આંખમાં ધૂળ નાખવા માટે ટ્રાન્સપોર્ટ મારફતે જૂનાં કપડાંની ગાંસડીઓ અને પાર્સલમાં દારૂની બોટલો પેક કરાવીને મંગાવતા હતા.
