ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે,જ્યારે બે પુખ્ત વયના લોકો પરસ્પર સંમતિથી થયેલા લેખિત કરાર હેઠળ સાથે રહે છે અને ત્યારબાદ લેખિત કરાર દ્વારા તેમની વ્યવસ્થાનો અંત લાવે છે,ત્યારે લગ્નના ખોટા વચન પર પીડિતાનો બળાત્કારનો દાવો ટકાઉ રાખવો મુશ્કેલ બની જાય છે. જસ્ટિસ ઈ. વેણુગોપાલ અને જસ્ટિસ આર.ટી. વાચ્છાણીની ખંડપીઠે પૂર્વ લિવ-ઈન પાર્ટનર મહિલાની અપીલ ફગાવી દીધી હતી અને પીડિતાએ આરોપી પુરુષ વિરુદ્ધ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદના કેસમાં આરોપી પુરુષને નિર્દોષ ઠરાવતા ટ્રાયલ કોર્ટના ચુકાદાને બહાલ રાખ્યો હતો. 

કોઈ બળજબરી થઈ હોય તે વાત અસ્થાને છે

હાઈકોર્ટે જણાવ્યું હતું કે,અપીલકર્તા અને પ્રતિવાદીનો લાંબા સમયથી ચાલતો સંબંધ,જેમાં તેમના સાથે રહેવા અને એકબીજા સાથે સહવાસ કરવાના સંજોગોનો સમાવેશ થાય છે,તે પણ ફરિયાદ પક્ષના માતા-પિતાની જાણકારી સાથે અલગ ભાડાના રહેઠાણમાં હતો; જે એવી ધારણાને જન્મ આપે છે કે તેમનો સંબંધ માન્ય સંમતિ પર આધારિત હતો.કોર્ટે વધુમાં ઉમેર્યું કે, જ્યારે બે પુખ્ત વયના લોકો એક લેખિત વ્યવસ્થા હેઠળ ઘણા મહિનાઓ સુધી સાથે રહ્યા પછી-જે પોતે જ સ્વતંત્ર સંમતિ જાહેર કરે છે-પરસ્પર એક લેખિત દસ્તાવેજ દ્વારા તે વ્યવસ્થાનો અંત લાવે છે.ત્યારે તેમાં કોઈ બળજબરી થઈ હોય તે વાત અસ્થાને છે. 

શારીરિક સંબંધ પણ ફરિયાદીની સતત સંમતિ પર આધારિત હતા

પીડિતા એટલે કે ફરિયાદ પક્ષનો એવો દાવો કે આ સંબંધ લગ્નના ખોટા વચન અને વારંવાર બળજબરીથી ઉત્પન્ન થયો હતો,તે ટકાવી રાખવો મુશ્કેલ બની જાય છે. પ્રસ્તુત કેસમાં મહિલા અને પ્રતિવાદી પુરુષ વચ્ચેના શારીરિક સંબંધ પણ ફરિયાદીની સતત સંમતિ પર આધારિત હતા અને અલગ થવું પણ સ્વૈચ્છિક હતું.લગ્નના ખોટા વચનના આધારે કેસને દુષ્કર્મના દાયરામાં લાવી શકાય નહીં. હાઈકોર્ટે એ વાતની પણ નોંધ લીધી હતી કે,લિવ-ઈન રિલેશનશિપના કરાર મુજબ,સમજૂતી દસ્તાવેજને અમલમાં મૂકતી વખતે પ્રતિવાદી 20 વર્ષનો હતો અને તે 21 વર્ષનો થાય પછી અપીલકર્તા સાથે લગ્ન કરશે તેવી સમજૂતી હતી.

અપ્રમાણિક ઈરાદાથી લગ્ન કરવાના વચનનો નથી

આવા દસ્તાવેજને કાયદેસર કહી શકાય નહીં કારણ કે તે જાહેર નીતિ અને કાયદાની વિરુદ્ધ છે.ફરિયાદી દ્વારા આક્ષેપ કરાયેલી રીતે પણ તેનો ઉપયોગ કરી શકાતો નથી.આ કેસ શરૂઆતથી જ અપ્રમાણિક ઈરાદાથી લગ્ન કરવાના વચનનો નથી.જેથી આવા વચનની આડમાં જાતીય લાભ મેળવી શકાયો હોય.અહીં પક્ષકારોએ પરસ્પર સંમતિથી સાથે રહેવા માટે લેખિત કરાર કર્યો હતો અને ત્યારબાદ બીજા દસ્તાવેજ દ્વારા તેને પરસ્પર રદ કર્યો હતો.બંને જણાએ કોઈપણ ત્રીજી વ્યક્તિના દબાણ કે પ્રભાવ વિના પોતાની મરજીથી સાથે રહેવાનું નક્કી કર્યું હતું.તેથી પ્રતિવાદી પુરુષ વિરુદ્ધ લગ્નના ખોટા વચનના આધારે કેસને દુષ્કર્મના દાયરામાં લાવી શકાય નહીં.

આ પણ વાંચોઃ CNG Gas Rate: અદાણી ગેસના ભાવમાં 4 રૂપિયાનો વધારો, જાણો નવો ભાવ કેટલો થયો