અમદાવાદ શહેરના માધવપુરા વિસ્તારમાં આવેલ મહેંદીકુવા પાસે જૂની અદાવતમાં મારામારી અને જાનલેવા હુમલો થવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગણપતિ વિસર્જન દરમિયાન થયેલા ઝઘડાની મનદુઃખ રાખીને કેટલાક શખ્સોએ યુવક પર તીક્ષ્ણ હથિયાર અને લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. જાહેર રોડ પર ખેલાયેલા આ લોહિયાળ ખેલને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

બીજા દિવસે ફરી લોખંડની પાઇપ વડે હુમલો

મહેંદીકુવા વિસ્તારમાં જોગણી માતા ફેબ્રિકેશન પાસે જાહેર રોડ પર સુનીલ ચૌહાણ નામના યુવક પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. ગણપતિ વિસર્જન બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખીને સુનીલને છાતીના નીચેના ભાગે જમણી બાજુ છરીનો ઘા મારી દેવાયો હતો, જેથી તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટનાના બીજા દિવસે ફરીથી ત્રણ શખ્સોએ આવીને સુનીલ સહિત ત્રણ લોકો સાથે ઉગ્ર મારામારી કરી હતી અને લોખંડની પાઇપથી માથામાં ફટકો મારતાં સુનીલને ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે તેના માથામાં 8 ટાંકા આવ્યા છે.

માધવપુરા પોલીસ સ્ટેશનમાં 3 શખ્સો સામે ગુનો દાખલ

આ હુમલા અંગે પીડિત સુનીલ ચૌહાણની ફરિયાદના આધારે માધવપુરા પોલીસે કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હુમલો કરનાર દિલીપ ડાભી, શક્તિ વાઘેલા અને વિનોદ ઉર્ફે બોબડા નામના ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. માધવપુરા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે બંદોબસ્ત ગોઠવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો