અમદાવાદ જિલ્લાના બાવળામાં આવેલ આંબા તળાવ વિસ્તારમાં આજે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. બાવળાના ભરવાડ વાસ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં રસોઈ બનાવતી વખતે અચાનક ગેસ સિલિન્ડર ફાટતાં પ્રચંડ ધડાકો થયો હતો. આ ભયાનક બ્લાસ્ટના કારણે વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો.
અમદાવાદના બાવળામાં સિલિન્ડર બ્લાસ્ટ
આ ગોઝારી ઘટનામાં ઘરમાં હાજર બે વ્યક્તિઓને ઇજા પહોંચી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇજાગ્રસ્તોમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અન્ય ઇજાગ્રસ્તને સ્થાનિક સ્તરે સારવાર આપવામાં આવી રહી છે. સિલિન્ડર બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે તેની અસર આજુબાજુના મકાનો પર પણ જોવા મળી હતી. પ્રચંડ ધડાકાને કારણે આસપાસના ૪ જેટલા મકાનોને ભારે નુકસાન થયું છે. કેટલાક મકાનોની દીવાલો પણ ધરાશાયી થઈ ગઈ હતી. મકાનોના કાટમાળ અને તૂટેલા સરસામાનના દ્રશ્યો ઘટનાની ભયાનકતા દર્શાવે છે.










