અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના થોરીથાંભા ગામમાં આજે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી, જેમાં રસ્તાને અડચણરૂપ રહેણાંક અને કોમર્શિયલ સહિતના 100થી વધુ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, થોરીથાંભા-લીયા-અને વાંસવા ગામ રોડ મંજૂર થતાં આ માર્ગ પરના અવરોધો દૂર કરવા માટે આ દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ રોડ પરના 100થી વધુ ગેરકાયદે દબાણો પૈકી 50થી વધુ રહેણાંક મકાનો, દુકાનો, અને દીવાલોનો સમાવેશ થતો હતો.


વિરમગામમાં મેગો ડિમોલિશન

કાર્યવાહી દરમિયાન, ગામમાંથી પસાર થતા મુખ્ય રસ્તાને અડચણરૂપ ગામ તળ અને તળાવની પાળ પાસેના રહેણાંક સહિતના દબાણો પર સરકારી બુલડોઝર ફરી વળ્યું હતું. ગામના વિકાસના કાર્યમાં અવરોધરૂપ આ દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી. આ ઝુંબેશમાં વિરમગામ તાલુકા વિકાસ અધિકારી (TDO) શરદ જાની, પોલીસ, તાલુકા પંચાયત, માર્ગ અને મકાન વિભાગ સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા. દબાણ હટાવવા માટે 2 JCB અને ટ્રેક્ટર સહિતનો કાફલો જોડાયો હતો.

રસ્તાને અડચણરૂપ 100 થી વધુ બાંધકામ તોડાયા

જોકે, વહીવટી તંત્રની આ કાર્યવાહી પહેલા જ અનેક રહેણાંક મકાનો, દુકાનો અને દીવાલોના દબાણો ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક રીતે દૂર કરી દેવાયા હતા, જેનાથી વહીવટી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. તાલુકા વિકાસ અધિકારી શરદ જાનીએ જણાવ્યું હતું કે, "ગામના લાંબા સમયથી પ્રતીક્ષિત રોડના નિર્માણમાં અવરોધ દૂર કરવા માટે આ કાર્યવાહી જરૂરી હતી, અને ગ્રામજનોના સહકારથી તે સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી છે."

  • Follow us on: