પ્રકાશના મહાપર્વ દિવાળીની રાત્રે શહેરમાં મોટાપાયે થતી આતશબાજી અને ફટાકડાના કારણે સંભવિત અકસ્માતો અટકાવવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીના દિવસે આવતીકાલે અમદાવાદ મેટ્રો ટ્રેનના નિયમિત સંચાલન સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલે સાંજે 7:00 વાગ્યાથી મેટ્રો ટ્રેન સેવાઓ સામાન્ય મુસાફરો માટે બંધ કરી દેવામાં આવશે. મેટ્રો ટ્રેકના એલિવેટેડ કોરિડોર પર ફટાકડા કે રોકેટના તણખાથી કોઈ ટેકનિકલ ખામી કે આગની દુર્ઘટના ન સર્જાય અને મુસાફરોની સલામતી જળવાઈ રહે તે માટે પ્રશાસને રાત્રિ સેવાઓ સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે.
મેટ્રો તંત્ર દ્વારા મુસાફરો માટે મહત્વનું શિડ્યુલ
વસ્ત્રાલ ગામ ટર્મિનલ પરથી થલતેજ તરફ જતી છેલ્લી મેટ્રો ટ્રેન સાંજે 7:00 વાગ્યે ઉપડશે. થલતેજ ટર્મિનલથી વસ્ત્રાલ ગામ તરફ જતી છેલ્લી મેટ્રો ટ્રેન સાંજે ૭:૦૫ વાગ્યે રવાના થશે. નિર્ધારિત છેલ્લી ટ્રેન રવાના થયા બાદ મેટ્રો સ્ટેશનો પર મુસાફરો માટે એન્ટ્રી ગેટ્સ બંધ કરી દેવામાં આવશે.દિવાળીની સાંજે સગાં-સંબંધીઓના ઘરે જવા કે ખરીદી માટે મેટ્રોનો ઉપયોગ કરતા નાગરિકોને નિર્ધારિત સમય કરતાં વહેલા મુસાફરીનું આયોજન કરવા જણાવાયું છે.
